અમદાવાદ મ્યુનિ.માં ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે લોકો કાયદો હાથમાં લેવા માંડયા છે. નવા પશ્ચિમ ઝોનમાં પ્રોફેશનલ ટેક્સ ખાતામાં ફરજ બજાવતા ધર્મેન વ્યાસ નામના કર્મચારીએ એક સંસ્થાના કાર્યકરોએ અથાણું અને ટમેટો સોસના સાથે લાવેલા ડબામાં બોળીને ચલણી નોટો ખવડાવવાનો પ્રયત્ન કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. કર્મચારીના મોં પર સોસ ચોપડયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નવા પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ અને પ્રોફેશનલ ટેક્સ ખાતામાં લાંચ આપ્યા વગર કામ થતું જ નથી તેવી લાગણી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ છે. દરમ્યાનમાં ધર્મેન વ્યાસે રૃ. ૫૦૦૦ લઇ કોઇ પણ પુરાવા વગર કોઈ ગુમાસ્તા ધારાનું કામ પતાવી આપ્યું હતું. કહેવાય છે કે લોક રક્ષક સમિતિના કોઈ કાર્યકરે તેનું સ્ટીંગ ઓપરેશન કરી નાખ્યું હતું. ત્યાર બાદ આજે તેમણે આ કર્મચારીને નોટો ખવડાવવાનો વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ યોજયો હતો. સાંજના સમયે તેઓ પ્રોફેશનલ ટેક્સ ખાતાની કચેરીમાં ઘુસી ગયા હતા અને કેટલાક કર્મચારીઓએ તેમનું મોં પકડી રાખ્યું હતું જયારે બીજાએ નોટો ખવડાવવા પ્રયત્ન કર્યો હતો. જેના કારણે કર્મચારીનું મોં સોસથી ખરડાઈ ગયું હતું.
બીજી તરફ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હોવાનું જાણવા મળે છે. એક તરફ ભ્રષ્ટાચારે માઝા મુકી છે જ્યારે બીજી તરફ લોકો પણ અસહિષ્ણુ બનવા માંડયા છે. જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે. પોલીસ ફરિયાદ કરવા સાથે ઉચ્ચ અધિકારીઓએ તેમના કર્મચારીઓની પણ તપાસ કરવી જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે