વિશ્વભરમાં કોરોના વાઈરસને કારણે 5 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતમાં પણ લોકોમાં કોરોનાનો ડર પેસી ગયો હોવાથી અમદાવાદના નોનવેજ ફૂડ માર્કેટમાં ભારે મંદીનો માહોલ છવાયો છે. કોરોનાના ડરને કારણે લોકો નોનવેજ ખાવાથી દૂર રહેવા લાગ્યા છે. જેને કારણે પ્રતિ કિલો રૂ. 150ના ભાવે વેચાતા ચિકનનો ભાવ હાલ 40 પર પહોંચી ગયો છે.
હાલ વડોદરામાં ચિકનનો ભાવ પ્રતિ કિલો રૂ. 35, અમદાવાદમાં રૂ. 40, રાજકોટ રૂ.30 અને સુરતમાં રૂ. 35 થઈ ગયો છે. જ્યારે મટનનું વેચાણ પણ 50 ટકાથી વધુ ઘટી ગયું છે. માત્ર એટલું જ નહીં લોકો ઈંડા ખરીદતા પણ ડરવા લાગ્યા છે. ઈંડાના વેચાણમાં પણ 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. છૂટક કાચા ઈંડાનો ભાવ રૂ.6 હતો જે ઘટીને રૂ.3 આસપાસ થઈ ગયો છે. ઈંડાથી પણ કોરોના વાઈરસ ફેલાતો હોવાનો લોકોમાં ભય ફેલાયો છે. અગાઉ બર્ડ ફ્લૂના કારણે સ્થાનિક પોલ્ટ્રીફાર્મો ભારે મંદી જોવા મળી હતી. હવે કોરોના વાઈરસના પગલે મોટાભાગના લોકો ચિકન ખાવાનું ટાળી રહ્યાં છે. બાળકોને પણ તેનાથી દૂર રાખી રહ્યાં છે,
આ સ્થિતિમાં ચિકનના ભાવ સાવ ગગડી ગયા છે. જેને કારણે હોલસેલર કે રિટેલર બંને વેપારીઓના ધંધાને વ્યાપક અસર પહોંચી છે. આમ પણ કોરોના વાઈરસની ખબર વહેતી થઈ હતી ત્યારથી જ આ ધંધા પર અસર પડી ચૂકી હતી, પરંતુ ભારતમાં કોરોના કેસો એકદમ દેખાઈ રહ્યાં છે તે સમાચારોના પગલે પોલ્ટ્રીફાર્મ ઉદ્યોગમાં કડાકો બોલી ગયો છે.