Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિન સચિવાલય કારકુન પરીક્ષા સંદર્ભે અસિત વોરાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે

બિન સચિવાલય કારકુન પરીક્ષા સંદર્ભે અસિત વોરાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે
, શનિવાર, 30 નવેમ્બર 2019 (11:10 IST)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા  લેવાઇ હતી તે સંદર્ભે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આજે પરીક્ષા સંદર્ભે જે વિડયો ફૂટેજ જાહેર કર્યા છે તેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધા છે અને તેની પણ યોગ્ય તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવશે. રાજ્ય સરકાર યુવાનોને સંપૂર્ણ પારદર્શિતાથી સરકારી સેવામાં જોડી રહી છે ત્યારે આવા બેબુનિયાદ આક્ષેપો કરીને યુવાનોને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે બંધ કરવું જોઇએ.
 
અસિત વોરાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણીએ યુવાનોને સરકારી સેવાનો લાભ મળે તે માટે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કાર્યક્રમ હાથ ધરીને સરકારી નોકરી યુવાનોને આપી છે તે કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. અમિત ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેની સી.યુ.શાહ કોલેજના વિડીયો ફૂટેજ જાહેર કરીને રાજ્ય સરકારને બદનામ કરવામાં આવી રહી છે તેને સરકાર સહેજ પણ સાંખી લેશે નહીં. 
 
આ કેન્દ્રના વિડીયો ફૂટેજની સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરાશે. કેન્દ્રમાં લગાવેલા CCTV  કેમેરાના ફૂટેજ પણ યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવશે અને આ માટે ઉમેદવારોતેમજ કેન્દ્રના નિયામકને રૂબરૂમાં બોલાવી પરામર્શ કર્યા બાદ જો તેમાં ગેરરીતિ આચરાઇ હશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર સહેજ પણ કચાશ રાખશે નહીં. ગેરરીતિમાં જે વ્યકિતઓ સંડોવાયેલી જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની, વિવિધ સંવર્ગોની પરીક્ષાનું આયોજન ટેકનોલોજીના માધ્યમ દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવી રહ્યુ છે જેના લીધે સાચો  રહી ન જાય અને ખોટો લાભ ન લઇ જાય તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.તાજેતારમાં બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા લેવાઇ હતી તે સંદર્ભે ગેરરીતિ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જે રજૂઆતો મળી છે તેની પણ સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧.૨૦ લાખથી વધારે યુવાનોને સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષા લઇને સરકારી સેવાઓમાં જોડ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની ર૫૦૦૦થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરોગ્ય રથ મારફતે 15 લાખ બાંધકામ કામદારોને ઘર આંગણે મળશે તબીબી સુવિધા