ગુજરાતભરમાં મંદિરોના ભોજનાલય,પ્રસાદાલયમાં હવે પ્રસાદ,ભોગની ગુણવત્તા જાળવવી પડશે.શ્રધ્ધાળુઓને ગુણવત્તાયુક્ત પ્રસાદ,ભોગ,ભોજન મળી રહે તે માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ નિયમો લાગુ કરવા નિર્ણય કર્યો છે જેના ભાગરુપે રાજ્ય ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સોમનાથ મંદિરેથી એક દિવસીય તાલીમ શરુ કરી છે. અત્યાર સુધીમાં ૧૫૦ મંદિરોના સંચાલકોને પ્રસાદની જાળવણીના પાઠ શિખવાડવામાં આવ્યા છે. શ્રધ્ધાળુઓને ગુણવત્તાયુક્ત પ્રસાદ,ભોગ અને ભોજનાલયમાં ભોજન મળી રહે તે માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ દિલ્હીમાં તમામ રાજ્યોના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં લેવાયેલાં નિર્ણય બાદ ગુજરાતમાં તમામ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તા જાળવવા શું શું કરવુ તેની તાલીમ શરુ કરાઇ છે. સોમનાથ,અંબાજી,ડાકોર સહિત ઘણાં પ્રસિધ્ધ મંદિરોમાં રોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય છે.આ શ્રધ્ધાળુઓનો પ્રસાદ,ભોગ પણ આપવામાં આવે છે. પ્રસાદ,ભોગની સાથે મંદિરોના ભોજનાલયમાં હજારો શ્રધ્ધાળુઓ આરોગે છે.જો પ્રસાદ,ભોગ,ભોજનમાં ગુણવત્તા ન હોય તો શ્રધ્ધાળુ બિમાર પણ પડી શકે છે. ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ કે, શ્રધ્ધાળુઓનુ આરોગ્ય જળવાઇ રહે,ગુણવત્તાયુક્ત પ્રસાદ,ભોગ મળી રહે તે હેતુસર છેલ્લા એકાદ અઠવાડિયાથી મંદિરોમાં તાલીમ શરુ કરાઇ છે. દિલ્હીથી ફુડસેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતો પણ ગુજરાત આવ્યા છે જેઓ મંદિરના સંચાલકોને પ્રસાદ,ભોજન માટે કેવા પ્રકારનુ રો મટિરિયલ્સ ખરીદવુ,પ્રસાદ બનાવતી વેળાએ કેવી કાળજી રાખવી, પ્રસાદની કેટલાં સમય સુધી,કેવી રીતે જાળવણી કરવી, અમુક સમય બાદ પ્રસાદ બગડી શકે છે પરિણામે તેનુ કેવી રીતે નિકાલ કરવો. આ સમગ્ર બાબતની તાલીમ આપવામાં આવી રહી છે.સૌ પ્રથમ સોમનાથ મંદિરમાં તાલીમ શિબીર ગોઠવાઇ હતી જેમાં ૬૦ મંદિરોના સંચાલકોએ હાજર રહ્યા હતાં. અમદાવાદમાં ગત રવિવારે એસજી હાઇવે પરના એસજીવીપી ગુરુકુળમાં ય તાલીમ શિબીર ગોઠવાઇ હતી જેમાં ઉત્તર ગુજરાતના ૭૫ મંદિરના સંચાલકોએ પ્રસાદની જાળવણીના પાઠ શિખ્યા હતાં. આખાયે રાજ્યના મોટાભાગના મંદિરોને આવરી લઇને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. ટૂંકમાં,પ્રસાદની ગુણવત્તા જળવાઇ રહે તે માટે ગુજરાતના મંદિરોમાં અભિયાન હાથ ધરાયુ છે.