ગુજરાતે સરદાર સરોવર ડેમના દરવાજાની ક્ષમતા ચકાસવા માટે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી પાણીથી ભરવા માટે મધ્યપ્રદેશ સરકાર પાસેથી પાણીની માગ કરી રહી છે, પરંતુ મધ્યપ્રદેશે વધુ પાણી ભરાશે તો ડૂબમાં જતાં ગામોને મોટી અસર પહોંચશે તેમ જણાવી પાણી આપવાનો ઇન્કાર કરી રહી છે. આ મુદ્દે હવે ગુજરાત સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરીટી સમક્ષ આ મુદ્દો લઇ જવાની તૈયારી કરી છે. રાજ્યસરકારના અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાત સરકાર આ મુદ્દો આગામી સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચામાં લાવશે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ એક ગુજરાતી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે આ મુદ્દાને લઇને ઊભો થતો વિવાદ જ અસ્થાને છે. જે વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાતને સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની અનુમતિ આપી હતી તે પૂર્વે જ આ પરિયોજનાના તમામ ભાગીદાર રાજ્યોએ સાથે મળીને જ આ મુદ્દાનું નિરાકરણ લાવી દીધું હતું અને ત્યારબાદ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યાં છે.આ તરફ મધ્યપ્રદેશ વર્તમાન કમલનાથ સરકાર અગાઉની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકારે બંધ પરિયોજનાથી પ્રભાવિત કુટુંબોના પુનર્વસનની કામગીરી યોગ્ય રીતે ન કરી હોવાનો આક્ષેપ કરી રહી છે. આ માટે ગુજરાત સરકારે ફાળવેલાં રુપિયા 400 કરોડ પણ મૂળ જરુરિયાત સામે અપૂરતા હોવાનો મધ્યપ્રદેશ સરકારનો આરોપ છે.
મધ્યપ્રદેશ સરદાર સરોવર ડેમમાંના 1450 મે.વોટની ક્ષમતાવાળા હાઇડલ પાવરમાંથી 57%નો ઊર્જાનો હિસ્સો માગી રહી છે. મધ્યપ્રદેશનું કહેવું છે કે જો ગુજરાત સરકાર વીજ ઉત્પાદન કરીને નહીં આપે તો પાણી પણ છોડવામાં નહીં આવે. ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે હાલ આ પ્લાન્ટ બંધ હોવાથી ઊર્જાનું ઉત્પાદન થતું નથી.