Morbi News: મોરબીમાં સિરામિકના વેપારી અજય ગોપાણીની Kia કારમાં અચાનક આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેઓ લીલાપર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર વાહનમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા અને તેઓ બહાર નીકળી શક્યા ન હતા. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આગની જાણ થતા જ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. આ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અજય ગોપાણી સિરામિક ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ છે. કાર આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કારમાંથી 5 લાખ રોકડા, 8 મોબાઇલ, સોનાની વિંટી અને પિસ્તોલ મળી આવી છે, જે મૃતકના પિતરાઇને સોંપવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જોકે પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.