Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિવાનંદ ઝાને ખંભાત રવાના, CCTVના ફૂટેજના આધારે તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે

શિવાનંદ ઝાને ખંભાત રવાના, CCTVના ફૂટેજના આધારે તોફાની તત્વો સામે  કડકમાં કડક કાર્યવાહી કરાશે
, બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (10:28 IST)
આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૨૩મી ફેબ્રુઆરીના રોજ બે જુથ વચ્ચે જુથ અથડામણ થતા પથ્થરમારો અને આગજનીના બનાવો બન્યા હતા. ઘટનાની જાણકારીની સાથે જ ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ હતી. અને તોફાનોને કાબૂમાં લેવાયા હતા. તોફાનોમાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને નહી છોડાય અને તોફાની તત્વો સામે  કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 
 
વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ,  રાજ્યના ડી.જી.પી. અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠક બાદ લેવાયેલ નિર્ણયની વિગતો આપતા પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું  હતું કે, ખંભાતની ભૌગોલિક પરસ્થિતિને ધ્યાને લઇને વારંવાર આવા બનતા બનાવો અટકે તે માટે સ્થાનિક સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય મહેશ રાવલ સહિત પદાધિકારીઓ દ્વારા કરાયેલ રજૂઆતને ધ્યાને લઇને ખંભાત શહેર વિસ્તારમાં અશાંત ધારાનો અમલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
 
ખંભાત શહેરની ઘટનાને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે ત્યારે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ દ્વારા ગુજરાતનું વાતાવરણ અશાંત થાય તેવા પ્રયત્નો કરે છે. ત્યારે શહેરના નાગરિકો પણ શાંતિ થકી ભાઇચારાની ભાવના જાળવી રાખે તે માટે તેમણે અપીલ કરી છે.
 
૨૩મી ફેબ્રુઆરીના રોજ બે જુથો વચ્ચે અથડામણની ઘટના બની તે જ દિવસે ઇન્ચાર્જ એસ.પી. દિવ્ય મિશ્ર, કાયદો અને વ્યવસ્થાના એડીશનલ ડી.જી.પી. ડૉ. નીરજા ગોટરૂ  રાવ, અમદાવાદ રેન્જ આઇ.જી. એ.કે. જાડેજા અને આર્મ્ડ યુનિટના આઇ.જી.પી. પિયુષ પટેલ તુર્ત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી. આ સાથે ખંભાત શહેરમાં પાંચ એસ.આર.પી.ની કંપનીઓ, બે રેપીડેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
ખંભાતની ઘટનાના પડઘા અન્ય જગ્યાએ ન પડે તે માટે રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝાને ખંભાત જવા રવાના કરી દેવાયા છે. ખંભાતના એસ.પી. રજા પર હોઇ, અમદાવાદ શહેરના ડી.સી.પી. ટ્રાફિક અજીત રાજીયાનને આણંદ જિલ્લાના એસ.પી. તરીકે નિમણુંક કરી દેવાઇ છે તથા ખંભાતના ડી.વાય.એસ.પી. તરીકે ભારતીબેન પંડ્યાની પણ નિમણૂંક કરી દેવાઇ છે. ઉપરાંત પી.એસ.આઇ અને પી.આઇ.ની બદલી કરી દેવાઇ. 
 
રાજ્યમાં શાંતિ, સલામતી અને સૌહાદપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે એ અમારી પ્રાથમિકતા છે અને રહેશે. ખંભાત શહેરમાં થયેલા તોફાનો સંદર્ભે સી.સી.ટી.વી.ના ફૂટેજ ચકાસીને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધીમાં ચાર બનાવોમાં ગુના નોંધીને ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ પણ કરી દેવાઇ છે. ઉપરાંત સમગ્ર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોમ્બીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે. જે તોફાની તત્વોએ ખંભાતના વિવિધ વિસ્તારોમાં ષડયંત્ર રચીને શાંતિ હણવાનો જે હિન પ્રયાસ કર્યો છે, તેને સહેજ પણ ચલાવી લેવાશે નહી. આજે ખંભાત શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, તેઓને પણ શાંતિ જાળવવા અપીલ કરાઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં બોગસ ટ્રાન્સપોર્ટ કંપની ઉભી કરી 100 કરોડનું GST કૌભાંડ, પિતા-પુત્રની ધરપકડ