ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે અને રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ પહેલા દિવસે 2020-21ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. બજેટ પૂર્વે તેમણે એવો દાવો કર્યો હતો કે આ વખતના બજેટમાં તમામને ખુશ રાખવાનો પ્રયાસ કરાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવતી હોવાથી બજેટમાં ગ્રામવિકાસની સાથે મહાનગરોના વિકાસ માટે મહત્વની યોજનાઓની જાહેરાત થાય તેવી સંભાવના છે. જોકે, આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે.
નોંધનીય છે કે 24મીએ વિધાનસભામાં બજેટ રજૂ થવાનું હતુ પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે વિધાનસભા સત્રના સમયમાં ફેરબદલ કરાયો હતો. સત્ર દરમિયાન કામકાજના કુલ 22 દિવસો હશે. સમગ્ર સત્ર દરમિયાન એકદંરે ગૃહની કુલ 25 બેઠકો મળશે.
જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ત્રણ બેઠકો મળશે અને ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે 31 માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આ બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો બેકારી, કાયદો અને વ્યવસ્થા, સરકારમાં થયેલા વિવિધ કૌભાંડો તેમજ પ્રજાને લગતા પ્રશ્નો અંગે શાસક પક્ષને ભિડવવાનો પ્રયાસ કરશે. આ બજેટ સત્ર તોફાની બની રહેશે પરંતુ વિપક્ષના સભ્યો સસ્પેન્ડ ન થાય તે માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે.
આ બજેટ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે, કારણ કે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7 વખત બજેટ રજૂ કરનારા નીતિન પટેલ છે અને તેઓ આજે 8મી વાર બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવશે.
આજથી શરુ થતા બજેટ સત્રમાં વિપક્ષ શાસક પક્ષને ઘેરવા સત્રને તોફાની બનાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, તો વિપક્ષ પ્રેરિત ગતિરોધને રોકવા સત્તાધારી પક્ષે પણ રણનીતિ બનાવી છે. રૂપાણી સરકાર વતી નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરશે. જેમાં તબક્કાવાર વિકાસલક્ષી જાહેરાતો થઈ શકે છે.
LRD, માલધારી સમાજ અને આદિવાસી સમાજના આંદોલન વચ્ચે રૂપાણી સરકાર 2020-21 માટેનું બજેટ રજૂ કરવાની છે, ત્યારે આ બજેટ સત્રમાં વિરોધ પક્ષ સત્તાપક્ષને ભીંસમાં લાવવા એડીચોટીનું જોર લગાવશે. જેથી આજનું સત્ર તોફાની બને તેવી શક્યતા સેવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે. ગત વર્ષ 2019-20માં બજેટનું કદ 2 લાખ 4 હજારનું હતું, ચાલુ નાણાંકીય વર્ષનું બજેટનું કદ આનાથી મોટુ હોવાની શક્યતા છે. ગત વર્ષે બજેટના કદમાં રૂપિયા 15,375 કરોડનો વધારો કરાયો હતો.