ગુજરાતમાં ફરીવાર હેલ્મેટ ફરજીયાત થવાની શક્યતાઓ, અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો
, મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (17:10 IST)
રાજ્ય સરકાર હેલ્મેટ મામલે હજુ સુધી નક્કર નિર્ણય કરી શકી નથી. પહેલા કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો. જો કે થોડા દિવસ બાદ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ આ અંગે ખુલાસો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે,પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી. આ મામલે આજે રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે. થોડા દિવસ પહેલા રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે.
આગળનો લેખ