અતિભારે વરસાદને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પોરબંદરમાં અતિભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયાં હતાં અને કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
આ દરમિયાન જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાંથી 40થી વધારે લોકોને બચાવી લેવાયા છે.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે, “પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસમાં અતિભારે વરસાદને કારણે જિલ્લાની ઘણી નદીઓમાં પૂર જેવી સ્થિતિ હતી અને પાણી ઘણા લોકોનાં ઘરમાં ઘૂસી ગયું હતું. 600થી વધારે લોકો હાલમાં શૅલ્ટર હૉમમાં ખસેડાયા છે. તેમને જરૂરી તમામ સુવિધાઓ અપાઈ રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર અને લોકોના પ્રતિનિધિ બધા જરૂરી પગલાં લઈ રહ્યાં છે.”
માંડવિયાએ ઉમેર્યું કે અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને પાવરકાપ પણ લાગુ કરાયો છે.
નોંધનીય છે કે પોરબંદર, જુનાગઢ અને દેવભુમી દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ કારણે કેટલાક રસ્તા, અન્ડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.