Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પણ હવે ઉત્તર પ્રદેશની ફોર્મુલાથી થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પણ હવે ઉત્તર પ્રદેશની ફોર્મુલાથી થશે
, મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (14:00 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે પ્રજાના વિરોધને ખાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ પેટર્નથી આ ચૂંટણી લડવા માટેની વ્યૂહરચના ઘડી રહ્યાં છે. જેમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસોમાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં પાંચ દિવસનો કેમ્પ કરીને 30થી વધુ સભાઓ અને 3 જેટલાં રોડ શો કરશે. ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોએ અત્યારથી પ્રચાર શરૂ કરી દીધો છે પરંતુ છેલ્લા બે મહિનાથી ગુજરાત ભાજપની સરકાર સામે પ્રજાનો વિરોધ ઉભો થયો છે. ખાસ કરીને વિકાસ ગાંડો થયોના નામે સોશિયલ નેટવર્કિંગમાં સરકાર વિરુદ્ધ ઝૂંબેશ ચાલી રહી છે. તે જોતાં ભાજપના પ્રદેશ નેતાઓથી માંડીને હાઇકમાન્ડે પણ આ બાબતની ગંભીર નોંધ લઇને ગુજરાતમાં શરૂ થયેલા સત્તા વિરોધી જુવાળને અટકાવવા માટે કોશિશો શરૂ કરી છે.

હાલની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ જોતાં ભાજપે અલગ-અલગ મુદ્દા લઇને પ્રજા સમક્ષ જવાની કોશિશ કરી હતી. જેમાં ગૌરક્ષા, નર્મદા અને વિકાસના નામે મત મેળવવા માટેની ભાજપની કોશિશ નિષ્ફળ નિવડી છે, ત્યારે ગુજરાતની આગામી ચૂંટણીમાં જો ભાજપને વિજય મેળવવો હોય તો એક માત્ર નરેન્દ્ર મોદી બ્રાન્ડ જ ચાલી શકે તેમ છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપે મેળવેલી સફળતાના પગલે ગુજરાતમાં પણ એજ પેટર્નથી ચૂંટણીપ્રચાર કરવા માટે પક્ષના હાઇકમાન્ડ મેપ બનાવે છે. જેમાં ચૂંટણી જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રીઓની સાથે નરેન્દ્ર મોદીની પણ સભાઓ થશે. ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના ભાજપના કેટલાક મેનેજરોને પણ ગુજરાત બોલાવવામાં આવશે. તેઓ ઉત્તર પ્રદેશમાં જીત માટે અપનાવેલી રીતને ગુજરાતમાં પણ અપનાવશે. ગુજરાત ભાજપના હતાશ થઇ ગયેલા કાર્યકરોને બેઠા કરવા માટે નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મેનેજરો કામગીરી કરશે. ચૂંટણીના અંતિમ તબક્કામાં નરેન્દ્ર મોદી એક અઠવાડિયું ગુજરાતમાં કેમ્પ કરશે અને જે બેઠકો ભાજપ માટે નબળી હશે તેવી બેઠકો પર નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ કરવામાં આવશે. પ્રચાર બંધ થવાના ત્રણ દિવસ પહેલાં મોદીના અલગ-અલગ શહેરોમાં રોડ શો કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ. જાણો શું છે કાર્યક્રમ