મધ્ય પ્રદેશની એક 35 વર્ષીય મહિલાને વાપીના બિલ્ડરે નોકરીએ રાખ્યા બાદ તેની સાથે વારંવાર બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધીને ચાર મિત્રોને હવાલે કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલાએ છોકરી છોડી દેવાનું કહ્યું તો બિલ્ડરે બંદૂક તાણીને આ અંગે કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી. જોકે, ત્રણ દિવસ પહેલા મહિલાને ગર્ભવતી હોવાની જાણ થતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને મોડીરાતે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુજબ મૂળ મધ્યપ્રદેશની વતની 35 વર્ષીય છાયા (નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2005 માં તેના વતનમાં જ થયા હતા. જોકે, પતિ બેકાર હોવાથી છાયા ત્રણ વર્ષના પુત્રને વતનમાં માતાપિતા પાસે મૂકી અને બે પુત્રીને લઇ વર્ષ 2011માં વાપીમાં પિતરાઈ ભાઈને ત્યાં રહેવા આવી હતી. ત્રણ વર્ષ બાદ તેને હોસ્પિટલમાં રિસેપ્શનીસ્ટની નોકરી મળી ત્યારે એક કર્મચારીએ વાપીમાં કિંગ વર્લ્ડ રીયલ્ટીના નામે કન્સ્ટ્રકશનનું કામ કરતા અને મેઈન હાઇવે નિશાન કારના શોરૃમની ઉપર શાંતિ કોમ્પ્લેક્ષમાં 102 માં ઓફિસ ધરાવતાં બિલ્ડર ગીરીરાજસિંહ હેમંતસિંહ જાડેજાનો મોબાઈલ નંબર આપી સારી નોકરી માટે તેમનો સંપર્ક કરવા કહ્યું હતું.
મધુએ સંપર્કના બે મહિના બાદ રૂપિયા 16 હજારના પગારે ઓફિસ મેનેજમેન્ટનું કામ સોંપાયું હતું. અને ચલા એરિયામાં ગુરુકુળ રોડ ખાતે એક રેસિડેન્સીમાં રહેવા ફ્લેટ અપાયો હતો. એક દિવસ બપોરે ગીરીરાજસિંહ આ ફ્લેટ પર આવ્યો અને તેને બળજબરીથી બેડરૂમમાં લઇ જઇને શરીર સબંધ બાંધ્યો હતો. આ રીતે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી ગીરીરાજસિંહે વારંવાર દુષ્કર્મ કર્યું હતું.
હું વાપીમાં મોટું નામ ધરાવું છું , મારી રાજકારણમાં અને પોલીસ ખાતામાં મારી મોટી ઓળખાણ છે. તું મારા કહ્યા મુજબ નહીં કરે તો તને ક્યાંય રહેવા નહીં દઉં તેવી ધમકી આપી ત્યાર બાદ ગીરીરાજસિંહે મધુને નોકરીમાથી કાઢી મુકવાની ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. તે છાયાને દમણની એક હોટલમાં પણ લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો.
ગત 21 નવેમ્બરની રાત્રે ગીરીરાજસિંહે મધુને ફોન કરી હું મારા ચાર મિત્રોને ફ્લેટ ઉપર મોકલું છું તેઓ તારી સાથે રાત ગુજારશે તેમ કહેતા છાયાએ હું તેવી નથી, હું તેમને ઘરમાં આવવા નહીં દઉં કહ્યું તો ગીરીરાજસિંહે ગુસ્સે થઇ મારુ ઘર ખાલી કરી દે તેમ કહ્યું હતું. આ વાત છાયાની 14 વર્ષીય પુત્રીએ સાંભળી હતી અને તેણે સુરતમાં રહેતી છાયાની મિત્રને ફોન કરી જાણ કરતા તે વાપી આવી હતી અને હકીકત જાણી પોતાની સાથે લઈ જવા તૈયારી કરી દીધી હતી.
છાયા નોકરી છોડી સુરત તેની મિત્રને ત્યાં જાય છે તેમ કહેવા બિલ્ડરની ઓફિસે પહોંચી તો ગીરીરાજસિંહે રિવોલ્વર બતાવી કોઈને પણ સંબંધ અંગે નહીં જણાવવા ધમકી આપી હતી. તેમજ લેટર અને કોરા કાગળો ઉપર સહી કરાવી અને અંગુઠાની છાપો લઇ મોબાઈલ ફોન અને રૂપિયા 2000 લઇ લીધા હતા. તે સાંજે જ મધુ તેની ફ્રેન્ડના સુરતના અડાજણ સ્થિત ઘરે બે પુત્રીઓ સાથે રહેવા આવી ગઈ હતી.
દરમિયાન, ત્રણ દિવસ અગાઉ ગર્ભવતી હોવાની જાણ થતા તેણે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સારવાર બાદ મધુએ ગત મોડી રાતે ગીરીરાજસિંહ વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે બનાવ વાપી ટાઉન પોલીસ મથકની હદમાં બન્યો હોય તપાસ વાપી ટાઉન પોલીસને સુપરત કરી છે.