અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના બપોરના સમયે ત્રીજા માળે એક કંપનીના સર્વરરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે.આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.