1લી જુનથી 10મી જૂન સુધી દેશભરમાં ખેડૂતોને પોતાના તમામ ઉત્પાદનોનું વેચાણ અટકાવી દેવા રાષ્ટ્રિય કિસાન સંગઠને એલાન આપ્યુ છે. ગુજરાતમાં પણ શુક્રવારથી આગામી 10 દિવસ માટે ખેડૂતો દૂધ, શાકભાજી અને અનાજનું વેચાણ ન કરીને ગામડા બંધ રાખે તેવી અપિલ આ સંગઠને કરી છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- ડબલ્યુટીઓની શરતોને આધારે કેન્દ્રની ભાજપ સરકાર ખેતી અને ખેડૂતોને સકંજામાં લઈ રહી છે. ભાજપની સરકાર ખેતી અને ખેડૂતોને અન્યાય કરી રહી છે. તેમ કહેતા રાષ્ટ્રીય કિસાન સંગઠને ગુજરાતમાં બુલેટ ટ્રેનથી લઈને અનેકવિધ પ્રોજેક્ટ માટે જોરજબરીથી ખેડૂતોની જમીનોનું સંપાદન સામે વિરોધ કર્યો છે. સંગઠનનાં પ્રમુખનાં કહેવા મુજબ વર્ષ 2014ની ચૂંટણી સમયે ભાજપે સ્વામીનાથન આયોગની ભલામણો મુજબ ખેત ઉત્પાદનનાં દોઢગણા ભાવ આપવાનું વચન આપ્યુ હતુ. ચાર વર્ષ પસાર થઈ ગયા, ભાજપની સરકાર હવે નવી ચૂંટણીની તૈયારી કરી રહી છે તેમ છતાંયે સી-ટુ ફોર્મ્યુલા મુજબ કૃષિ ઉત્પાદનનો ભાવ આપવાનાં વચનમાંથી જ પલાયન થઈ રહી છે. આથી, કિસાન આંદોલન અનિવાર્ય બની રહ્યુ છે. કૃષિ જણસો અને દુધના વેચાણથી 10 દિવસ ગામડાઓ બંધનાં એલાનથી ખેડૂતોને નુકશાન નહી થાય ? તેવા સવાલનાં જવાબમાં રાષ્ટ્રીય કિસાન સંગઠનનાં પ્રમુખ ભોળાભાઈએ કહ્યું કે, અત્યારે ઘઉં, તુવેર, ચણા જેવી જણસીઓથી લઈને ડુંગળી, ગવાર, ફુલાવર જેવા શાકભાજીનાં ઉત્પાદન પાછળ થતા ખર્ચની પડતર પણ ખેડૂતોને મળતી નથી.