રાજ્યના ડીજીપી શિવાનંદે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે, પહેલા તમામ પોલીસકર્મીઓને યુનિફોર્મના આદેશ બાદ હવે ડીજીપીએ આદેશ આપ્યો છે કે પાંચ વર્ષથી વધુ સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની 10 જૂન પહેલા બદલી કરવાની રહેશે. આ આદેશને લઇને રાજ્યના પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ડીજીપીએ બહાર પાડેલા પરિપત્રમાં એવો આદેશ કરાયો છે કે, શહેર કે જિલ્લામાં પોલીસ કર્મચારીઓ પૈકી ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે જેઓ પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં છે. આવા કર્મચારીઓની બદલી કરવાની કામગીરી 10 જૂન પહેલા પૂર્ણ કરવાની રહેશે. પરિપત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે પોલીસની નોકરીમાં નિયમનુસાર કોઇ પણ પોલીસ અધિકારી કે કર્મચારી એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી શકે નહીં, એટલું જ નહીં જે તે પોલીસ અધિકારી પોતાના વતનમાં પણ ફરજ બજાવી શકે નહીં, જો કે કેટલાક અપવાદરૂપ કિસ્સામાં વિશિષ્ટ કામગીરીને ધ્યાને રાખી તેઓને આ નિયમ લાગુ પડતો નથી. પરિપત્રમાં જણાવ્યા મુજબ બદલી કરતાં પહેલા પોલીસકર્મી પાસેથી પોતાના પસંદગીના પાંચ વિકલ્પો પણ માગવામાં આવશે. આ વિકલ્પો પર શક્ય હશે તો બદલી કરવામાં આવશે. જો કે આ વિકલ્પોમાં એ તપાસવામાં આવશે કે પોલીસકર્મી વિકલ્પોમાંથી કોઇ પણ સ્થળે અગાઉ ફરજ ન બજાવી હોવી જોઇએ તથા કર્મચારીનું વતન તે પોલીસ સ્ટેશનની હદમાં ન આવતું હોવું જોઇએ.