રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને એક મહિલાએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. મહિલા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે મહિલા સહિત ચારની અટકાયત કરી હતી. મહિલાની માંગ છે કે પડધરી પાસે થયેલી મારામારીમા ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ ઉમેરવામાં આવે. આ કેસમાં હવામાં ફાયરિંગ થયા હતા અને મારામારી થઇ હતી. પોલીસ પર આક્ષેપ થઇ રહ્યા છે કે પોલીસ તપાસ ઢીલી રીતે થઇ રહી છે, આજે આ મહિલા ન્યાય માટે આત્મવિલોપન કરવા આવી હતી પડધરી તાલુકાના નાની અમરેલી ગામે થોડા દિવસ પહેલા રાત્રે દલિત યુવાન પર કેટલાક શખ્સોએ તલવાર ધોકા તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી હવામાં ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં દલિત યુવાનને રાજકોટની ગિરિરાજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના બારેક દિવસ બાદ પણ હજુ સુધી કોઇ આરોપીની અટકાયત કરાઈ નથી જેની પાછળ રાજકીય પ્રેશર હોવાની શંકા સેવાઈ રહી છે. નાની અમરેલી ગામ નજીક આવેલ નિલકંઠ પેપર મીલ દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવાતું હોવાથી હુમલાનો ભોગ બનનાર રમેશભાઈ રાણભાઈ મકવાણાએ વિરોધ નોંધાવ્યો હતો. જેનો ખાર રાખી હુમલો થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.