Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રીના જનતા ક્રફ્યુના એલાનને પોતાની અને પરિવારની આરોગ્ય સુરક્ષા માટે સહુ ઉપાડી લે: નીતિન પટેલ

પ્રધાનમંત્રીના જનતા ક્રફ્યુના એલાનને પોતાની અને પરિવારની આરોગ્ય સુરક્ષા માટે સહુ ઉપાડી લે: નીતિન પટેલ
, રવિવાર, 22 માર્ચ 2020 (07:27 IST)
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી નીતિન પટેલે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલની મુલાકાત લઇને કોરોના ના રોગચાળાના સંદર્ભમાં નિદાન અને સારવારની વ્યવસ્થાઓની વ્યાપક જાણકારી મેળવી હતી. તેમણે લોકોના હિતમાં બિન અધિકૃત હોય એવી કોઈપણ વ્યક્તિ આઇસોલેશન વોર્ડમાં પ્રવેશે નહિ તેની કાળજી લેવાની તાકીદ કરવાની સાથે આ વોર્ડની ચારે તરફ સલામત અંતરે સુરક્ષા ઘેરો રાખવા અને સુરક્ષા વાડ રચવાની સૂચના આપી હતી.
 
નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના રવિવારે જનતા કરફ્યુ પાળવાના એલાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કોરોના થી બચાવનો ઉત્તમ માર્ગ સંપર્ક ટાળવાનો,ભીડ કે ટોળાં થી દુર રહેવાનો છે અને તેને અનુલક્ષીને જ પ્રધાનમંત્રીએ આ કોલ આપ્યો છે. એટલે પોતાના અને પરિવારના હિતમાં લોકો આ એલાનને ઉપાડી લે અને રવિવાર પછી પણ ખૂબ આવશ્યક ના હોય તો બહાર જવાનું શક્ય તેટલું ટાળે એવો અનુરોધ કર્યો હતો.
webdunia
વડોદરામાં ૩ પોઝિટિવ કેસો નોંધાયા એનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, આ લોકોના નિકટ સંપર્કમાં આવ્યા હોય એવા લોકોની જાણકારી મેળવી અને તેમને શોધીને આરોગ્ય તપાસ તેમજ તેમને અન્ય લોકોથી સંપર્ક મુક્ત રાખવાની કાર્યવાહી તંત્ર કરી રહ્યું છે. તેમણે અનુરોધ કર્યો કે વડોદરા સહિત ગુજરાતના કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં કોઈપણ રીતે આવ્યા હોય ઍવા લોકો પોતાની અને પરિવારજનોની સુરક્ષા માટે સામે ચાલીને પ્રાથમિક તપાસ કરાવી લે અને સંપર્ક મુક્તિના નિયમનું પાલન કરે એ ઇચ્છનીય છે. આ દરમિયાન રાજ્યના નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ અને મેયર ડો.જિગીષા બહેન શેઠ તેમની સાથે રહ્યા હતા.
 
રાજ્ય સરકારે મૂકેલા અને વડોદરાના અનુભવી શિક્ષણ સચિવ અને ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ,જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને એસ.એસ.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાજીવ દવેશ્ચરે તેમને વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.વડોદરાની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 3 વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાઈ છે એ પૈકી બે વ્યક્તિઓ સ્પેન અને શ્રીલંકાના પ્રવાસ નો ઇતિહાસ ધરાવે છે અને તેમને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે સઘન સારવાર આપવામાં આવી રહી છે.સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો છે અને સદનસીબે કોઈને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી નથી. રાજ્યના દવાખાનાઓમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર છે અને નવા ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં વિદેશ પ્રવાસ થી આવતા હોય એવા લોકોને કોરોના ના લક્ષણ આધારિત તપાસ એરપોર્ટ પર કરવાની તકેદારી લેવાઈ છે અને ૯૦ ટકા કરતા વધુ લોકો નેગેટિવ જણાયા છે.   
 
વડોદરામાં ૧૮ લોકોના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં જે પૈકી ૧૫ નેગેટિવ જણાયા અને ૩ પોઝિટિવ ની સારવાર એસ.એસ.જી.હોસ્પિટલમાં ચાલી રહી છે.તેમની સાથે નિકટ સંપર્કમાં આવ્યા હોય એવા ૨૪ લોકોને અલગ અલગ રૂમોની સુવિધા ધરાવતા સ્થળે ૧૪ દિવસ માટે સંપર્ક મુક્ત રાખવામાં આવ્યા છે અને આરોગ્ય તપાસ કરવામાં આવી છે.પરદેશ થી આવેલા અને ઘેર ગયેલા લોકો સાથે તકેદારી સંપર્ક રાખવામાં આવી રહ્યો છે .સરકારી અને ખાનગી મળીને ૧૨૬ પથારીની આઇસોલેસન વ્યવસ્થા છે અને વાઘોડિયા નજીક આવેલી મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલો ને જરૂર પડ્યે ઉપયોગમાં લઇ શકાય એવી વ્યવસ્થા રાખવા જણાવ્યું છે.
 
તેમણે ઉમેર્યુ કે જરૂર પડ્યે સરકારી હાઉસિંગ પ્રોજેક્ટના ખાલી મકાનોનો વોર્ડ બનાવવાઉપયોગ કરવા સૂચન કર્યું છે. તેમણે કોરોના ની આફતનો મુકાબલો કરવામાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની સંકલિત કામગીરી અને ખાનગી તબીબી સંસ્થાઓના સહયોગની પ્રશંસા કરી હતી અને લોકો તકેદારી ની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપી રહ્યાની ભાવના ને બિરદાવી હતી તથા સહુના સહયોગ થી આ સંકટમાંથી રાજ્ય ઊગરશે.
 
તેમણે ખાસ કરીને વડીલો અને બાળકોને ઘરમાં રાખવાની તકેદારી સહિતની તકેદારીઓ પાળવા પર ભાર મૂક્યો હતો અને રાજ્ય સરકારે અમલમાં મૂકેલા વિવિધ પ્રતિબંધની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે તકેદારી રૂપે આજ થી આંતર રાષ્ટ્રીય ઉડાનો બંધ કરવામાં આવ્યાં છે.રવિવારે રાજ્યમાં રેલવે અને બસ સેવાઓ પણ બંધ રખાશે.તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર કેટલાક વધુ અગત્યના નિર્ણયો લેશે. વિધાનસભામાં મુલાકાતીઓ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે અને કચેરીઓમાં પ્રવેશ નિયંત્રણ લાગુ પાડયા છે.
 
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તીલાવત,કોર્પોરેશનના ડો.દેવેશ પટેલ,નાયબ મેયર અને સ્થાયી અધ્યક્ષ સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.નાયબ મુખ્ય મંત્રીએ કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ વ્યક્તિઓની સારવાર કરતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટેની સાધન સુવિધાની જાણકારી પણ લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 4 મહાનગરો બુધવાર સુધી લોકડાઉંન