બીઆરટીએસ કોરીડોરમાં ખાનગી વાહનો હંકારવા પર પ્રતિબંધ હોવાછતા અનેક વાહનચાલકો પસાર થતા હોય છે જેને કારણે અકસ્માતમાં કેટલાય લોકો મોતને ભેટે છે. કોરીડોરમાં ટ્રાફિકની અમલવારી થતી ન હોવાથી આવા બનાવોનું પ્રમાણ વધી ગયું હતું. જેે પગલે ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.ની જેટ ટીમે સમગ્ર કોરીડોર પર ૧૦ દિવસની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં બન્ને વિભાગે મળીને ૨૩૬૭ કેસ નોંધીને કુલ રૃ.૧૮,૯૦,૫૮૦ નો દંડ વસુલ્યો હતો જ્યારે ૭૮ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
બીઆરટીએસ રૃટ પર ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને જાહેર પરિવહન નિગમની બસો સિવાયના ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. બીઆરટીએસ રૃટ પર ટ્રાફિક પોલીસ કે અન્ય વિભાગ દ્વારા અમલવારી કરાતી ન હોવાથી વાનચાલકો કોરીડોરમાં બેરોકટોક વાહન હંકારતા હતા. જેને પગલે અત્યારસુધીમાં અનેક લોકો અકસ્માતમાં મોત નિપજી ચુક્યા છે. આવા બનાવો બનતા અટકાવવા ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.તંત્ર દ્વારા બીઆરટીએસ કોરીડોરમાં વાહન હંકારનારાઓ સામે કાર્યવાહી કરવા ૧૦ દિવસની ઝુંબેશ હાથ ધરીને આકરો દંડ વસુલવાની શરૃઆત કરી હતી.
ટ્રાફિકના ડીસીપી તેજસકુમાર પટેલના જણાવ્યા મુજબ આ કાર્યવાહી માટે ટ્રાફિક પોલીસની ચાર સ્ક્વોડ બનાવવામાં આવી હતી.જ્યારે મ્યુનિ.ની ૪૮ જેટ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમોમાં એક ટ્રાફિક પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મોટાભાગે પીક અવર્સમાં રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકો ખુલ્લા બીઆરટીએસ કોરીડોરમાં ઘુસી જાય છે. જેને પગલે ક્યારેક બીઆરટીએસની બસો પણ ટ્રાફિકજામનો ભોગ બને છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.તંત્રની પહેલીવાર કોરીડોરમાં શરૃ કરાયેલી ઝુંંબેશને કારણે દંડથી બચવા કેટલાય ટુવ્હીલર ચાલકો પાછા ફરતા જોવા મળ્યા હતા.