Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિનસચિવાલયની પરીક્ષા રદ, વર્ગખંડોમાં એક-બીજા સાથે વાતચીત કરીને લખતા વિદ્યાર્થીઓને પણ ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવાશે

બિનસચિવાલયની પરીક્ષા રદ, વર્ગખંડોમાં એક-બીજા સાથે વાતચીત કરીને લખતા વિદ્યાર્થીઓને પણ ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવાશે
, મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (11:56 IST)
રાજ્યના યુવાનોના હિતને વરેલી સંવેદનશીલ સરકારે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય કારકુન / ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે હતું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડવા માટે લેવાયેલ આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા થયેલ ગેરરિતી સંદર્ભે જે રજૂઆતો થઇ હતી અને તેઓ દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના પૂરાવાઓ રજૂ કરાયા હતા અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ આ પરીક્ષાની ન્યાયિક તપાસ કરવા માટે SITની રચના કરવાની માંગ કરી હતી. 
 
તે સંદર્ભે મુખ્યમંત્રીએ તે જ દિવસે SITની રચના કરવાનો નિર્ણય યુવાનોના હિતમાં લીધો હતો. આ કમિટી દ્વારા ૧૦ દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવા જણાવાયું હતું. આ કમિટીએ આજે આ રીપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. અને એના પ્રથમદર્શી અહેવાલમાં પેપર લીક થયા અંગેનું તારણ આવ્યું હોઇ, યુવાનોના હિત માટે આ નિર્ણય કરાયો છે. SIT દ્વારા રજૂ કરાયેલ આ અહેવાલ સંદર્ભે આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી તરીકે મારી, મુખ્ય સચિવ,  SITના તમામ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ૬ લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી. અને ૩,૧૭૩ જેટલા કેન્દ્રો પર સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી આગેવાનો દ્વારા ગેરરીતિ સંદર્ભે ૧૦ મોબાઇલ, સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા. આની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ વીડીયો ફૂટેજની તપાસ વિદ્યાર્થી આગેવાનોની હાજરીમાં કરી હતી. 
 
મોબાઇલ ફોનમાં જે વીડીયો ફૂટેજ અને સોશ્યલ મીડીયાનો ઉપયોગ થયો છે તે મોબાઇલ ફોન વૈજ્ઞાનિક તપાસ અર્થે FSLને મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓની તપાસ આગેવાનોની ઉપસ્થિતિમાં FSLની મદદ લઇને કરી છે. જેમાં સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણીમાં કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓ મોબાઇલથી પેપર લખતા હોવાના દ્રશ્યો, એક-બીજાને પૂછીને લખતા હોય તેવા દ્રશ્યોના પુરાવાઓ મળ્યા છે, તેની સંપૂર્ણ ન્યાયિક અને તલસ્પર્શી તપાસ FSLની મદદથી કરવામાં આવી છે. જેના આધારે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.
 
પરીક્ષાની ગેરરિતી સંદર્ભે સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે SITના અહેવાલોના તારણોના આધારે પરીક્ષાઓ યોજાશે. તેમણે ઉમેર્યું કે, બિન સચિવાલય કારકુનની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ ન લઇ જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે તેમાં સી.સી.ટી.વી. ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરાયો છે અને તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. બનાસકાંઠા - ૨, સુરેન્દ્રનગર - ૧ અને ગીર સોમનાથ જિલ્લામાં - ૧ મળી કુલ ૪ FIR હાલ દાખલ કરવામાં આવી છે. 
 
એજ રીતે પરીક્ષા ખંડમાં જે વિદ્યાર્થીઓ એક-બીજાને પૂછીને પેપર લખતા હતા તેઓને પણ ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે સાથે પરીક્ષા કેન્દ્રના સંચાલકો, વર્ગ ખંડ નિરીક્ષક, સુપરવાઇઝરની પણ ગેરરીતિમાં મેળાપીપળી જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ આવી સંસ્થાઓને ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર તરીકે બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે.
 
રાજ્ય સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૨ લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે, અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબધ્ધ છે. આગામી સમયમાં પણ આ પરીક્ષામાં પેપર લીકની ઘટના માટે કોઇપણ વ્યક્તિ પ્રેરાય તે માટે પણ ક્રિમીનલ કાર્યવાહી કરાશે. પ્રસ્તૃત કિસ્સામાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં આ ગેરરીતિ અંગે FIR કરવાનો નિર્ણય લીધેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્યાં સુધી સુરક્ષિત ગુજરાતના બણગાં ફૂંકશો? સુરતમાં માસૂમ પર દુષ્કર્મ આચરી હવસખોરો ફરાર