ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ મંત્રી ભરતસિંહ સોલંકીને વધુ સારવાર અર્થે અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગત મોડી રાત્રે ભરતસિંહ સોલંકીની તબિયત વધુ નાજુક થતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરતસિંહ સોલંકીની વડોદરા ખાતે બેન્કર્સ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.રાજ્યસભા ચૂંટણી બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી કૉંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. જોકે, ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા કૉંગ્રેસ પક્ષમાં હાહાકાર મચી ગયો હતો. કારણ કે ભરતસિંહ સોલંકી ચૂંટણી દરમિયાન અનેક ધારાસભ્યો અને નેતાઓનાં સંપર્કમાં આવ્યા હતા. જે બાદમાં શક્તિસિંહ ગોહિલ સેલ્ફ હોમ ક્વૉરન્ટીન થયા હતા. તેમના નજીકના ગણતા મૌલિક વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાત અન્ય કૉંગ્રેસી ધારાસભ્યો પણ સેલ્ફ હોમ ક્વૉરન્ટીન થયા હતા. રિપોર્ટ કરાવતા મોટાભાગના ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગુજરાત મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ પણ ભરતસિંહ સોલંકીના ખબર અંતર પણ પૂછ્યા હતા અને તેઓને કહ્યું હતું કે અમદાવાદ ખાતે સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ગત મોડી રાત્રે ભરતસિંહ સોલંકીની તબિયત સુધારો ન થતા અમદાવાદ સ્થિત સિમ્સ હૉસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરાયા છે.