ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા બહેને રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા, પીએમના કર્યા વખાણ
, શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (13:25 IST)
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઊડીને આંખે વળગી રહ્યો છે. મહેસાણાના ઊંઝા ધારાસભ્ય ડો. આશા પટેલે આજે રાજીનામું આપી દીધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપ્યું છે જ્યારે આગામી એપ્રીલ માસમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે. આશાબેને વિધાનસભા સ્પીકર શ્રીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. રાજીનામાનો પત્ર રાહુલ ગાંધીને સંબોધીને લખાયેલો છે. આ રાજીનામાં પત્રમાં ડો.આશા પટેલે સ્ફોટક વિગતો રજુ કરી છે. જે કોંગ્રેસ માટે આઘાત સમાન કહી શકાય.
પત્રમાં આશાબેને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે. જ્યારે 10 ટકા સવર્ણ અનામતના મુદ્દે તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. પાર્ટીમાં જૂથવાદ અને આંતરિક વિગ્રહ ચરમસીમાએ છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી. આ બાજુ પત્રમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટ છૂટા વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે 10 ટકા સવર્ણ અનામત આપીને તેમણે તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કોંગ્રેસ સંગઠન નાત જાત અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દાઓ તેમજ પક્ષના સભ્યપદ અને વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપું છું.
આગળનો લેખ