ભારત દેશમાં બાળકોની રસીને લઈને હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ ઇઝરાયેલમાં બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવા અભિયાન શરૂ કરાયું છે.કોરોનાને કારણે ઇઝરાયેલથી સુરત પરત ફરેલા પરિવાર ઇઝરાયેલમાં બાળકોની રસી આપવાનું શરૂ થતાં 7 વર્ષના પુત્રને ફરીથી લઈ જઈ રસી મુકાવી છે.
કોરોનાને કારણે વતન સુરત પરત ફરેલાં માતા-પિતાએ ફરીથી ઇઝરાયેલ જઈને તેમના 7 વર્ષના પુત્ર હ્રિધાન પટેલને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. માતા શિવાની અને પિતા અભિષેકના જણાવ્યા અનુસાર, કોરોનાકાળમાં બાળકોની ચિંતા સતાવતી રહે છે, જેથી ઇઝરાયેલમાં વેક્સિનેશનની વાત સાંભળ્યા બાદ એક મહિના માટે ત્યાં ગયા છે. હ્રિધાને ભારતમાં પણ બાળકોને રસી જલદી અપાય એવી અપીલ કરી છે અને સંભવતઃ તે વેક્સિન મુકાવનાર પ્રથમ સુરતી બાળક છે.
વેક્સિન લીધા બાદ હ્રિધાન પટેલે કહ્યું હતું કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે. મેં ઈઝરાયેલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે અને હું એકદમ સ્વસ્થ છું. જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેક બાળકોએ જરૂરથી રસી લેવી જોઈએ. કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.