Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આક્રમક ગતિએ ટકરાશે ‘રેમલ’ વાવાઝોડું, આટલા જિલ્લામાં ઍલર્ટ, વાવાઝોડું કેટલી ઝડપથી ત્રાટકશે?

આક્રમક ગતિએ ટકરાશે ‘રેમલ’ વાવાઝોડું, આટલા જિલ્લામાં ઍલર્ટ, વાવાઝોડું કેટલી ઝડપથી ત્રાટકશે?
, રવિવાર, 26 મે 2024 (13:16 IST)
Cyclone remel- બંગાળની ખાડીમાં બનેલી લૉ-પ્રેશરની સિસ્ટમ હવે મજબૂત થઈને વાવાઝોડું બની ગઈ છે. આ વાવાઝોડાનું નામ રીમાલ રાખવામાં આવ્યું છે અને તે ઓમાન દેશે આપ્યું છે.
 
બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચતા પહેલાં વાવાઝોડું વધારે તાકતવર બનશે અને ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે ત્યારે બીજી તરફ ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે.
 
દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસું તેની ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું બાંગ્લાદેશની સાથે ભારતનાં કેટલાંક રાજ્યોને અસર કરશે, ક્યાંક ઝડપી પવન ફૂંકાશે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 22 મેના રોજ બનેલી સિસ્ટમ હવે મજબૂત બનીને વાવાઝોડું બની ગઈ છે અને તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ કલાકના 8થી 11 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ અને સાગર દ્વીપ તથા ખેપુપારાની વચ્ચે પશ્ચિમ બંગાળ નજીકના દરિયાકિનારા પરથી પસાર થાય તેવી સંભાવના છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ 110 કિમીથી 120 કિમી પ્રતિકલાકની હશે અને વધીને તે 135 કિમી પ્રતિકલાક સુધી પહોંચશે.
 
25 મેના રોજ વાવાઝોડું બન્યા બાદ તે આજે ભીષણ ચક્રવાતમાં ફેરવાશે અને રવિવારની રાત્રે જ તે દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે.
 
વાવાઝોડાની સ્થિતિને જોતાં તકેદારીનાં પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે. કોલકાતા ઍરપૉર્ટને રવિવાર બપોરથી 21 કલાક માટે બંધ કરી દેવામાં આવશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં અસર થવાની સંભાવના છે ત્યાંથી લોકોને સલામતસ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
 
બીબીસી બાંગ્લા સર્વિસ અનુસાર વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. રવિવારની રાતથી દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
 
ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાનું ઍલર્ટ આપી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં રવિવાર અને સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
 
ઓડિશા તથા પૂર્વોત્તરનાં રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું જ્યારે ત્રાટકી જાય તે બાદ તે નબળું પડતું જાય અને અંતે આ સિસ્ટમ સાવ નબળી પડીને વિખેરાઈ જતી હોય છે.
 
જોકે, આ સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીમાં હશે ત્યારે અને ત્રાટકશે ત્યારે પણ તે સેંકડો કિલોમીટર સુધીના પવનોને ખેંચે છે.
 
ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ છેલ્લા ઘણા સમયથી હીટ વેવની ચેતવણી પણ આપી રહ્યું છે.
 
રવિવાર અને સોમવારથી ગુજરાતમાં પવનની ગતિ વધી જશે, આ પવનો વાવાઝોડા સાથે ભળશે અને રાજ્યમાં રહેલા ભેજને ખેંચી લેશે. તેથી ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે વરસાદની પણ કોઈ શક્યતા નથી.
 
હાલ ગુજરાત પર પવનો પાકિસ્તાન પરથી અને અરબી સમુદ્ર પરથી આવે છે, આ પવનોની ગતિ વધી જશે એટલે કે ઝડપી પવનો ફૂંકાશે, જેના કારણે રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે.
 
બંગાળની ખાડીનાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી નથી, અરબી સમુદ્રમાં સર્જાનારાં વાવાઝોડાં સીધાં ગુજરાત પર આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Remal:ચક્રવાતી તોફાન 'રેમાલ' આજે બંગાળમાં ત્રાટકશે, NDRFની ટીમો એલર્ટ પર, 21 કલાક માટે ફ્લાઈટ્સ રદ