ગોવાના કલંગુટ બીચ પર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં અરબી સમુદ્રમાં એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 20 લોકોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત અંગે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બપોરે લગભગ 1.30 વાગે બની હતી.
આ ઘટના અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે બોટ પલટી જતાં એક 54 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 20 લોકોને બચાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા." તેણે કહ્યું કે બે મુસાફરો સિવાય બાકીના બધાએ લાઈફ જેકેટ પહેર્યા હતા. તેમણે કહ્યું કે મુસાફરોમાં છ વર્ષની વયના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
જાણો ક્યાં થયો અકસ્માત
સરકાર દ્વારા નિયુક્ત જીવનરક્ષક એજન્સી દ્રષ્ટિ મરીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોડી કિનારાથી લગભગ 60 મીટર દૂર પલટી ગઈ હતી, જેના પરિણામે તમામ મુસાફરો દરિયાના પાણીમાં પડી ગયા હતા. તેમણે કહ્યું કે બોટમાં સવાર મુસાફરોમાં મહારાષ્ટ્રના ખેડના 13 સભ્યોનો પરિવાર પણ સામેલ હતો.