Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનામાં રોકાણ કરવા માટે હાલનો સમય યોગ્ય છે? સોનામાં રોકાણના પાંચ વિકલ્પ શું છે?

Gold
, શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (15:52 IST)
સોનાની વાત આવે ત્યારે ભારતનો ઇતિહાસ સમૃદ્ધ રહ્યો છે. સાંસ્કૃતિક રીતે મહત્ત્વની ધાતુ તરીકે ભારતીયોનો હૃદયમાં અને ઘરમાં સોનાનું સ્થાન અનેરું છે.
 
લોકો તેમનાં સંતાનોને ‘મારો સોનુ’ કહીને પણ વ્હાલ કરે છે. તેઓ તેમના જીવનમાં સોનાને કંઈક વિશિષ્ટ ગણે છે. ભારતમાં સોનાની મોટી માગ છે, કારણ કે તેમાં પવિત્ર ગુણ હોવાનું લોકો માને છે.
 
વિશ્વમાં સોનાનો વપરાશ કરતા દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. ભારતની જેમ વિશ્વના અન્ય દેશોમાં પણ લોકો સોનાને બચત તરીકે રાખે છે. તેથી દેશનું મૂલ્ય સરકારી બૅન્કમાંના સોનાના ભંડારની માત્રાને આધારે નક્કી કરવામાં આવે છે.
 
શું અત્યારે સોનું ખરીદવું જોઈએ?
 
સોનાને વિશિષ્ટ ધાતુ ગણવાનું મુખ્ય કારણ એ છે કે તેની સાથે બજાર સંબંધી જોખમ બહુ ઓછું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો લાંબા સમય પહેલાં ખરીદવામાં આવેલું સોનું વેચાય એવી કહેવત ક્યારેય સાંભળવા મળી નથી. સોનામાં રોકાણ સંબંધે કોઈ ભય હોતો નથી. તેથી ભારતીય લોકો શુભ દિવસોમાં કે શુભ પ્રસંગોમાં સોનાની ખરીદી તથા સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
 
સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડા બાબતે વધુ માહિતી મેળવવા બીબીસીએ મદ્રાસ ગોલ્ડ જ્વેલરી એન્ડ ડાયમન્ડ મર્ચન્ટ્સ એસોસિએશનના મહામંત્રી શાંતાકુમાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, "સોનાનો ભાવ છ મહિના પહેલાના ભાવના સ્તરે આવી ગયો છે. ભાવ ઘટાડાની રાહ જોઈ રહેલા લોકો માટે તે વરદાનરૂપ છે."
 
આંતરરાષ્ટ્રીય બજારમાં એક ઔંસ (28.34 ગ્રામ) સોનાનો ભાવ 2,000 ડૉલર હતો, જે હવે ઘટીને 1,841 ડૉલર થઈ ગયો છે. શાંતા કુમારે કહ્યું હતું, "છેલ્લા છ મહિનાથી વન ગ્રામ ગોલ્ડ જ્વેલરી રૂ. 5,800થી રૂ. 5,500ના ભાવે વેચાઈ રહી હતી, પરંતુ હવે તેની કિંમત ઘટીને રૂ. 5,356 થઈ ગઈ છે. તેથી સોનું ખરીદવાનો આ સારો સમય છે."
 
તેમના કહેવા મુજબ, "તહેવારોના દિવસો આવી રહ્યા છે તેથી સોનાની માગમાં વધારો થશે એટલે ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે."
 
ગ્રાહકો હાલ ઘટેલી સોનાની કિંમતનો લાભ લઈ શકે છે, એવી સલાહ આપતાં તેમણે ઉમેર્યું હતું, "ઘટેલા ભાવે સોનું ખરીદવું જોઈએ એવું જે ગ્રાહકોને લાગતું હોય તેઓ હાલ થોડું સોનું ખરીદી શકે અને કિંમતમાં વધઘટ થાય પછી વધુ સોનું ખરીદવાનું વિચારી શકે."
 
તેમના જણાવ્યા મુજબ, "તમારી પાસે પૈસા હોય તો સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે. જે લોકો બૅન્ક લોન કે પર્સનલ લોન લઈને સોનું ખરીદવા ઇચ્છતા હોય તેમણે તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. સોનાના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો થશે તેની આગાહી કોઈ કરી શકતું નથી."
 
શાંતા કુમારના જણાવ્યા અનુસાર, સોનાની કિંમતમાં ખાણમાંથી સોનું કાઢવાના, તેને સાફ કરવાના, ફિલ્ટર કરવાના, તારવણી કરવાના, ગાળીને આકાર આપવાના અને સોનાના ઘરેણાના માર્કેટિંગ તથા સેલ્સના ખર્ચનો સમાવેશ થાય છે.
 
1990-95માં સોવરિન ગોલ્ડનો ભાવ રૂ. 2,000થી 2,500 હતો. તે સમયે ખાણિયાઓનું વેતન રૂ. 200 હતું, હાલ રૂ. 2,000 છે. પેટ્રોલ ત્યારે 30 રૂપિયે લીટર મળતું હતું. હવે તે 100 રૂપિયે લીટર મળે છે, એમ જણાવતાં શાંતા કુમારે કહ્યું હતું, "કોલારની ખાણમાંથી કાઢવામાં આવેલું સોનું, બધા ખર્ચને પહોંચી વળાય તે રીતે વેચવું પડે એવી પરિસ્થિતિ હોત તો એક ગ્રામ સોનાની કિંમત રૂ. 7,500ને પાર કરી ગઈ હોત."
 
તેથી જ આફ્રિકા તથા ચીનની ખાણોમાંથી કાઢવામાં આવેલા સોનાની આયાત તથા વેચાણ ભારત કરે છે.
 
ઝવેરાત માટે જ ઑફર કેમ?
 
જ્વેલર્સ કોઈ પણ જાતના નુકસાન વિના કમિશન આપી શકતા હતા ત્યારે એકસામટી ચૂકવણી કરતા ગ્રાહકોને આવી ઑફર કેમ આપી ન હતી, એવા સવાલના જવાબમાં શાંતાકુમારે કહ્યું હતું, “ધારો કે એક વ્યક્તિ મહિને રૂ. 5,000 ચૂકવે છે. તેમના જેવા 100 લોકો એ રીતે ચૂકવણી કરશે તો જ્વેલરને દર મહિને રૂ. પાંચ લાખ મળશે. જ્વેલર તે પૈસાનો ઉપયોગ સોનાના નીચા ભાવની બિઝનેસ સાયકલમાં કરશે. ઍડવાન્સ પેમેન્ટ અને બચત તથા રોકાણમાં મદદને લીધે જ અમે વેતન તથા નુકસાનીના સંદર્ભમાં છૂટછાટો આપી શકીએ છીએ.”
 
સોના અને અમેરિકન ડૉલર વચ્ચે શું સંબંધ છે?
 
રોકાણ સલાહકાર સતીષે જણાવ્યું હતું કે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યને લીધે સોનાના ભાવમાં મોટો ફરક પડતો હોય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનું મૂલ્ય ડૉલરમાં નક્કી થાય છે. તેથી ભારતના બજારમાં સોનાના ભાવમાં ફેર પડે છે.
 
તેમણે કહ્યું હતું, "અમેરિકન ડૉલરનું મૂલ્ય વધશે તો સોનાના ભાવ ઘટશે. ડૉલરનું મૂલ્ય ઘટશે તો સોનાના ભાવમાં વધારો થશે."
 
દાખલા તરીકે, તમારી પાસે એક ડૉલર હોય તો ભારતીય ચલણમાં તેનું મૂલ્ય 80 રૂપિયા છે. તમે રૂ. 80માં 100 ગ્રામ ચૉકલેટ ખરીદો છો, પણ ચૉકલેટની કિંમત ઘટી ગઈ હશે તો તમે એટલી જ કિંમતમાં 110 ગ્રામ ચૉકલેટ ખરીદી શકશો. અમેરિકન ડૉલરના મૂલ્યના આધારે સોનાના ભાવમાં આ રીતે વધઘટ થાય છે.
 
સોનું લાંબા ગાળાના રોકાણનો બહેતર વિકલ્પ છે?
 
સોનાની કિંમતમાં ઘટાડો થયો હોવાથી તેમાં લાંબા ગાળાના રોકાણની તક છે. તે સલામત વળતરનો ઉત્તમ વિકલ્પ પણ છે. સોનાના ભાવમાં ટૂંકા સમયગાળામાં વધઘટ થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે તેનું મૂલ્ય કાયમ સ્થિર રહે છે.
 
આ સંદર્ભે સ્પષ્ટતા કરતાં સતીષે કહ્યું હતું, “સોનું છેલ્લાં ઘણાં વર્ષોથી ફૂગાવા તથા ચલણના અવમૂલ્યન સામે શ્રેષ્ઠ રક્ષણ બની રહ્યું છે. તેથી તેને રોકાણનો એક વિકલ્પ બનાવવાથી સારું વળતર મળી શકે.”
 
તેમણે ઉમેર્યું હતું, "રશિયા-યુક્રેન યુદ્ધની આડઅસર તરીકે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ નહીં ખરીદવાથી આર્થિક કટોકટી ઊભી થઈ છે. તેને લીધે ક્રૂડની માગ વધી છે અને તેના ભાવ પણ વધ્યા છે."
 
"અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો નીચો હોવાથી ભારત ક્રૂડની પુષ્કળ આયાત કરે છે. તેથી સોનામાં રસ ઓછો થયો છે અને લોકો અમેરિકન ડૉલરમાં રોકાણ કરે છે. તેથી સોનાની કિંમત ઘટી છે."
 
ભારતીયો સોનાને શણગાર માટેની વૈભવી ધાતુ ગણે છે અને સમાજમાં પોતાના મૂલ્ય તરીકે ચિહ્નિત કરે છે. તેથી જ તેઓ મોટાભાગે સોનાના ઘરેણામાં રોકાણ કરે છે, પરંતુ રોકાણની દૃષ્ટિએ ગોલ્ડ બૉન્ડ વધુ નફાકારક કેવી રીતે છે તે સમજીએ.
 
ગોલ્ડ બૉન્ડ શું છે?
 
કેટલાક લોકો હજુ પણ એવું માને છે કે ગોલ્ડ બૉન્ડ એટલે સોનાના બનેલા બૉન્ડની કૉપી. હકીકતમાં તેના સોનાના બનેલા બૉન્ડ નથી. ગોલ્ડ બૉન્ડને સુરક્ષિત ડિપોઝિટ પદ્ધતિ ગણવામાં આવે છે, જે વધુ વળતર આપે છે.
 
સતીષે તેની માહિતી આપતાં કહ્યું હતું, "ભારત સરકારે નવેમ્બર, 2015માં ગોલ્ડ બૉન્ડની રજૂઆત કરી હતી. સરકારના જણાવ્યા મુજબ, સોનાનાં આભૂષણ, સિક્કા અને બિસ્કિટ ભૌતિક રીતે ખરીદવાને બદલે સોનું ગોલ્ડ બૉન્ડ તરીકે પણ ખરીદી શકાશે."
 
"બૅન્કો, શેરબજારની વેબસાઇટ, રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર વગેરે દ્વારા રોકાણકારો ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે."
 
દાખલા તરીકે, કોઈ વ્યક્તિ એક ગ્રામના ગોલ્ડ બૉન્ડ ખરીદે તો તેને આઠ વર્ષ પછી તે બૉન્ડની કિંમત જેટલું શુદ્ધ સોનું એક ગ્રામ સોનાના તત્કાલીન મૂલ્ય પર મળી શકે છે.
 
2015માં કોઈ વ્યક્તિએ 24 કૅરેટ શુદ્ધ સોનું રૂ. 2,634 પ્રતિગ્રામ ગોલ્ડ બૉન્ડમાં ખરીદ્યું હશે તો આઠ વર્ષ પછી સોનાના ભાવમાં જેટલો વધારો થશે તેટલું શુદ્ધ સોનું તેને મળશે. તેની સાથે પાંચ વર્ષ પછી અઢી ટકા લેખે નિશ્ચિત વાર્ષિક વ્યાજ પણ મળતું થશે.
 
સોનાના ઘરેણા, સિક્કા કે બિસ્કીટ ઘરમાં રાખ્યાં હોય તો ચોરાઈ જવાનો ભય રહે. ઘર રેઢું છોડીને ક્યાંય શાંતિથી જઈ શકાય નહીં. સીસીટીવી એટલું દેખાડી શકે કે ચોર કેવી રીતે આવ્યો અને સોનું ચોરી ગયો, પરંતુ તે ચોરીને રોકી શકતી નથી.
 
ઘણા લોકો સોનામાં રોકાણને શ્રેષ્ઠ ગણે છે, પરંતુ ખરીદેલું સોનું ચોરાઈ જવાના ભયે તેમાં રોકાણ કરવાનું ટાળે છે. સોનું બેંક લોકરમાં સલામત રાખવું હોય તો લોકરના ભાડા પેટે પણ દર વર્ષે નોંધપાત્ર પૈસા ચૂકવવા પડે છે.
 
ગોલ્ડ બૉન્ડને સંબંધ છે ત્યાં સુધી કોઈ તેને ચોરી જાય તો પણ તેનું વેચાણ બૅન્ક મારફત જ કરવું પડે અને બૅન્કમાં મૂળ ખરીદનારની સહી હોય તો જ પૈસા મળે.
 
તેથી ગોલ્ડ બૉન્ડ સૌથી સલામત રોકાણ છે. તેથી રિઝર્વ બૅન્ક લોકોને સલાહ આપે છે કે સોનાને રોકાણનો વિકલ્પ ગણતા લોકોએ આ તકનો લાભ લેવો જોઈએ.
 
ગોલ્ડ અને ગોલ્ડ બૉન્ડ વચ્ચેનો તફાવત
 
ધારો કે તમે એક પાઉન્ડ સોનાના દાગીના ખરીદો છો. આ સંદર્ભમાં ગોલ્ડ અને ગોલ્ડ બોન્ડની ખરીદી વચ્ચેનો તફાવત સમજીએ.
 
સોનાની ટાર્ગેટ પ્રાઈસ
 
આઠ ગ્રામ સોનાની કિંમત - રૂ. 44,542
 
મજૂરીઃ (પાંચથી 15 ટકા) – રૂ. 6,681
 
ડૅમેજ (15થી 18 ટકા) – રૂ. 8,017
 
જીએસટી (ગોલ્ડ 3 ટકા, ડ્યુટી 5 ટકા) – રૂ. 1,536
 
કુલઃ રૂ. 60,776
 
અહીં સોનાના ભાવ કરતાં રૂ. 16,234 વધુ ચૂકવવા પડે છે. રોકડેથી ખરીદીએ તો પણ જીએસટી અને ડેમેજ ચૂકવવું પડે.
 
આઠ ગ્રામના ગોલ્ડ બૉન્ડ – રૂ. 44,242
 
ગોલ્ડ બૉન્ડનો લાભ શું?
 
કોઈ કમિશન નહીં, કોઈ ડૅમેજ નહીં, જીએસટી નહીં, આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો વિકલ્પ, પાંચ વર્ષ પછી વાર્ષિક અઢી ટકા લેખે વ્યાજ મળે અને આઠ વર્ષ પછી તત્કાલીન કિંમતનું સોનું મળે.
 
ગોલ્ડ બૉન્ડ કેટલાં ખરીદી શકાય?
 
તમે એક ગ્રામથી માંડીને ચાર કિલોગ્રામ સુધીના વ્યક્તિગત ગોલ્ડ બૉન્ડ પણ ખરીદી શકો. ટ્રસ્ટ્સ સરકાર નિર્દિષ્ટ સંસ્થાઓ 20 કિલો સુધી ગોલ્ડ બોન્ડ ખરીદી શકે.
 
તેને સામાન્ય સોનાની જેમ વેચી અને બૅન્કમાં જમા કરાવી શકાય. તેને ઍક્સચેન્જ પણ કરાવી શકાય છે.
 
સતીષના કહેવા મુજબ, તમે ગોલ્ડ બૉન્ડ ખરીદો છો ત્યારે તમને ટેક્સમાં છૂટ મળે છે. તે એક ઍકસ્ટ્રા સ્પેશિયલ ફીચર છે.
 
બચત કે રોકાણ?
 
તમે તમારા સંતાનોના લગ્ન અથવા ખાસ પ્રસંગને ધ્યાનમાં રાખીને વિચારી શકો. સોનામાં કરેલા રોકાણનો ઉપયોગ ધંધો વિસ્તારવા, ઘર ખરીદવા કે તમારા સંતાનના શિક્ષણ માટે કરી શકો. રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડ બૉન્ડની પસંદગી કરવાથી તમને ફાયદો થઈ શકે.
 
તમે ડિજિટલ ગોલ્ડ પણ ખરીદી શકો. તમે ફોન પે, ગૂગલ પે જેવી એપ અને નેટ બેંકિંગ અકાઉન્ટ મારફત પણ ગોલ્ડ બોન્ડ ખરીદી શકો. તેમાં તમને રૂ. 50થી રૂ. 100 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે.
 
ઘરેણાં ખરીદવાનો વિકલ્પ
 
વાસ્તવમાં સોનાને તેમ અડી શકો એવું સોનું ખરીદવું હોય તો સ્વાભાવિક છે ઘરેણાં, સોનાના સિક્કા કે બિસ્કિટનો વિકલ્પ છે.
 
પરંતુ સિક્કા કે બિસ્કિટ અને ઘરેણાં ખરીદવામાં ફરક હોય છે.આ છે ઘરેણાનો મેકિંગ ચાર્જ એટલે કે ઘડામણનો ખર્ચ.
 
ઘરેણાંની ઘડામણ 20થી 22 ટકાની આસપાસ પહોંચી શકે છે. એટલે કે એક લાખનું સોનું ખરીદો તો 20 હજાર ઘડામણના થાય પરંતુ સામાન્ય રીતે સિક્કા કે બિસ્કિટ લેવામાં આ ઘડામણ બેથી ચાર ટકા જેટલો થઈ શકે છે.
 
જ્યારે તમે સોનું વેચો છો તો ઘડામણનો ખર્ચ ગણવામાં નથી આવતો જેથી વેચતી વખતે નુકસાન ભોગવવાનું આવે છે.
 
અને સોનું ખરીદ્યા બાદ તેની સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થાય છે જે ગોલ્ડ બૉન્ડમાં નથી આવતો.
 
નિષ્ણાતો મુજબ જો તમે સોનું પહેરવા માગતા હો તો સાચા સોનાના ઘરેણાં લો જેથી તે રોકાણ અને વપરાશ બંનેમાં ગણી શકાય. પરંતુ જો તમારે માત્ર સોનામાં રોકાણ કરવું હોય તો બૉ઼ન્ડ વધુ સારો વિકલ્પ છે.
 
ગોલ્ડ ઍક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ઈટીએફ)
ગોલ્ડ ઈટીએફ સ્ટૉક માર્કેટ જેવું હોય છે. તમે શૅરની જેમ જ સોનું ખરીદી શકો છો.
 
આના માટે ડિમેટ ઍકાઉન્ટ ખોલવું જરૂરી છે. ઈટીએફ આ ઍકાઉન્ટ મારફતે ખરીદી શકાય અને દરરોજ વેચી શકાય છે.
 
કેટલીક કંપનીઓ ગોલ્ડ ઈટીએફ ઇશ્યુ કરે છે જેને તમે ખરીદી શકો છો. આમાં સોનું જ સિક્યૉરિટી હોય છે. જ્યારે જરૂર હોય અથવા ભાવ વધે ત્યારે તમે ઈટીએફ વેચી શકો છો.
 
આમાં માત્ર એક સમસ્યા છે. એ છે, જ્યારે તમે ઈટીએફ વેચવા માગો તે દિવસે જ એ વેચાશે કે નહીં.
 
આનો અર્થ છે કે તમે સોનું વેચવા માગો છો પણ કોઈ ખરીદનાર નથી તો મુશ્કેલી થઈ શકે છે.
 
પરંતુ આ સમસ્યા સ્ટૉક માર્કેટમાં નથી આવતી. કેટલીક કંપનીઓ આ રીતે ખરીદવાનું અને વેચવાનું કામ કરે છે.
 
ઈટીએફ ભારતમાં બહુ લોકપ્રિય નથી. અમેરિકા જેવા દેશોમાં તેનું વધુ ચલણ છે.
 
મ્યુચ્યુઅલ ફ્ન્ડ્સ
તમે મ્યુચ્યુઅલ ફન્ડ મારફતે ગોલ્ડ બૉન્ડ ખરીદી શકો છો. આ રોકાણ 500 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ નાના રોકાણકારો માટે સારો વિકલ્પ છે.
 
કેટલીક કંપનીઓ મ્યુચ્યુઅલ ફન્ડ મારફતે ગોલ્ડ બૉન્ડ વેચે છે.
 
આ કંપનીઓ તમારાં નાણાંનું ગોલ્ડ ફન્ડમાં રોકાણ કરે છે. જો તમારે પૈસા બે વર્ષ પછી જોઈતા હોય તો કંપની તમને પાછા આપશે. આમાં ફીસ પણ ચૂકવવાની હોય છે જે એક કે બે ટકા હોઈ શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવા છોકરાઓની પાસે ખેંચાઈને આવે છે છોકરીઓ, હમેશા કેર કરે છે