મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં જય ભવાની નામની 5 માળની ઈમારતમાં ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં તેમજ પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા
ફાયર વિભાગની 10 ગાડીઓએ ભારે જહેમત બાદ ગોરેગાંવ વેસ્ટની જય ભવાની નામની બિલ્ડીંગમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ ભીષણ આગમાં લગભગ 39 લોકો હજુ પણ ઘાયલ છે અને 7 લોકોના મોત થયા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને HBT હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
BMCએ આપી આ જાણકારી
BMCના અધિકારીઓએ જણાવ્યું કે અમને ગઈકાલે મોડી રાત્રે એક ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. જે બાદ અમે તાત્કાલિક અમારા વાહનોને સ્થળ પર મોકલી દીધા. મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એક 5 માળની ઈમારતમાં લેવલ 2માં આગ ફાટી નીકળી હતી. તમામ ઘાયલ લોકોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આગ પર હવે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.