Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિલાવલ ભુટ્ટોના નિવેદન બાદ પાકિસ્તાની મંત્રીએ ભારતને આપી પરમાણુ બૉમ્બની ધમકી

બિલાવલ ભુટ્ટોના નિવેદન બાદ પાકિસ્તાની મંત્રીએ ભારતને આપી પરમાણુ બૉમ્બની ધમકી
, રવિવાર, 18 ડિસેમ્બર 2022 (09:31 IST)
પાકિસ્તાનનાં મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણુ બૉમ્બની ધમકી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ન્યુક્લિયર સ્ટેટસ ચૂપ રહેવા માટે નથી.
 
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં નેતા શાઝિયા મર્રીએ બોલ ન્યૂઝ સાથે એક વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું.
 
શાઝિયાએ કહ્યું, “ભારતે એ ન ભૂલવું જોઈએ કે અમારી પાસે પરમાણુ બૉમ્બ છે. અમારું ન્યુક્લિયર સ્ટેટસ ચૂપ રહેવા માટે નથી. જરૂરિયાત હશે ત્યારે અમે પીછેહઠ નહીં કરીએ.”
 
તેમણે કહ્યું, “ભારતનો કોઈ મંત્રી ગમે તે ફોરમ પર મોદી સરકારમાં એટલો અંધ થઈ જશે કે તે એવું વિચારશે કે તે પાકિસ્તાન જેવા એક ન્યુક્લિયર દેશ માટે ગમે તેવું બોલી શકે છે, તો આ તેની ભૂલ છે.”
 
“મેં ઘણી ફોરમમાં મોદી સરકાર દ્વારા મોકલાવાયેલા રાજદ્વારીઓનો મુકાબલો કર્યો છે. ત્યારે પણ યુએનમાં હાલ ભારતના મંત્રીએ કરેલાં નિવેદનો જ અપાયાં હતાં. જેમાં તેઓ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવે છે. આ તેમનો પ્રૉપેગૅન્ડા છે.”
જોકે શાઝિયાએ પોતાના નિવેદન બાદ એએનઆઈના સામાચારને રિટ્વીટ કરતાં લખ્યું કે, “પાકિસ્તાન એક જવાબદાર ન્યુક્લિયર દેશ છે. ભારતીય મીડિયામાં કેટલાંક તત્ત્વો હંગામો ઊભો કરવાની કોશિશ કરી રહ્યાં છે. પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ ભારતીય મંત્રીનાં છંછેડતાં નિવેદનો પર પ્રતિક્રિયા આપી હતી. આતંકવાદ સાથે લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ ગુમાવ્યું છે. મોદી સરકાર અતિવાદ અને ફાસીવાદને પ્રોત્સાહન આપી રહી છે.” 
 
 
શાઝિયાનું આ નિવેદન પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે અપાયેલ વિવાદિત નિવેદન બાદ આવ્યું છે. તેમણ ભુટ્ટોના નિવેદનનું સમર્થન કર્યું છે.
 
બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે,“ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતું ‘બૂચર ઑફ ગુજરાત’ જીવિત છે. અને તે ભારતના વડા પ્રધાન છે. જ્યાં સુધી તે વડા પ્રધાન નહોતા બન્યા ત્યાં સુધી તેમના અમેરિકા જવા પર પાબંદી હતી.”
 
આ નિવેદનનું ભારતમાં ઉગ્ર વિરોધ થયો અને ભાજપે પાકિસ્તાની દૂતાવાસ સામે વિરોધપ્રદર્શન પણ કર્યું.
 
આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યાની ટીકા થઈ હતી.
 
ભારતીય વિદેશમંત્રાલયે બિલાવલ ભુટ્ટોના નિવેદનના જવાબમાં કહ્યું, “પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન ઘણું નીચલા સ્તરનું છે. પાકિસ્તાનના લઘુમતીઓ પ્રત્યેના વલણમાં કોઈ ખાસ ફરક આવ્યો નથી. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડા પ્રધાન મોદી પર બિલાવલ ભુટ્ટોના નિવેદન વિરુદ્ધ ભાજપનું દેશવ્યાપી વિરોધપ્રદર્શન