ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. ૨૬ લોકસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચને ફરિયાદ કરી છેકે,લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા અમલમાં છે ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાન એ સરકારી મકાન છે જેમાં પક્ષ-રાજકીય પ્રવૃતિ કરી શકાય નહી.
કોંગ્રેસે રાજય ચૂંટણીપંચને એવી ફરિયાદ કરી છેકે,મુખ્યમંત્રીનુ નિવાસ એ સરકારી મકાન છે.તેમને નિવાસ માટે અપાયેલુ છે એનો અર્થ એવો નથી કે,તેમાં રાજકીય પ્રવૃતિ થઇ શકે.૧૭-૧૮મી માર્ચે અહીં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે આચારસંહિતાનો ભંગ ગણાય. આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે,આચારસંહિતા અમલમાં હોવા છતાંય ભાજપના સત્તાધીશો સરકારી મિલ્કતોનુ દુરપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાન તો નોટિફાઇડ એરિયામાં છે. આ ફરિયાદને આધારે રાજ્ય ચૂંટણીપંચે ગાંધીનગર કલેક્ટરને સમગ્ર મુદ્દે તપાસ કરવા આદેશ આપ્યાં છે.
ગાંધીનગર કલેક્ટર એસ.કે.લાંગાએ જણાવ્યું છે કે, ૨૪ કલાકમાં જ આ મામલે તપાસ કરી રાજ્ય ચૂંટણીપંચને અહેવાલ મોકલી આપવામાં આવશે. ગાંધીનગર કલેક્ટરે પણ આ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આજે પણ દિવસભર મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકોનો દોર જામ્યો હતો. આવતીકાલે પણ આ જ સ્થળે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવનાર છે. હવે રાજ્ય ચૂંટણીપંચ શુ પગલાં લે છે તેના પર સૌની નજર છે.