બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ થયા બાદ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી એવી માંગ કરી છેકે,છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતી,કોર્ટ મેટર સહિતના મુદ્દે રદ થઇ છે ત્યારે આ બધાય મામલે સરકારે જવાબદારો વિરૂધ્ધ શું કાર્યવાહી કરી તે અંગે રાજ્ય સરકાર શિક્ષિત યુવાઓને જવાબ આપે.
છેલ્લા પાંચેક વર્ષમાં રેવન્યૂ તલાટી,ચીફ ઓફિસર,મોટર વાહન નિરિક્ષક,વડોદરા મનપા કલાર્ક,ટાટ,લોકરક્ષક દળ,એએમસી કલાર્ક, ગ્રામ સેવક, એસટી કંડકટર સહિત અનેક પરીક્ષાઓ પેપર લીક થવું,ખોટી લાયકાત,ગેરરીતી સહિતના કારણોસર રદ થઇ છે તેવો ઉલ્લેખ કરતાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પરીક્ષાઓ રદ થતા લાખો પરીક્ષાર્થીઓના નોકરી મેળવવાના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.પરીક્ષાઓમાં ગેરરીતી થતાં મહેનતુ વિદ્યાર્થીઓને તક મળતી નથી. આ ઉપરાંત ભરતીઓ રદ થતાં બેરોજગારીનુ પ્રમાણ વધ્યુ છે.
ધાનાણીએ એવી માંગ કરી છેકે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફુલપ્રૂફ હોવી જોઇએ. આ ઉપરાંત ગેરરીતી આચરનારાં સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. ભરતીઓમાં કૌભાંડ થતાં યુવાઓની ભરતી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે છેલ્લા 15 વર્ષમાં થયેલી ભરતી પ્રક્રિયાની તપાસ હાઇકોર્ટની સિટીંગ જજ દ્વારા કરાવવી જોઇએ. સરકાર પણ આ બધીય ભરતીઓ રદ થઇ છે ત્યારે જવાબદારો સામે શુ પગલાં લીધા તેનો જવાબ આપે.