Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ખેડૂતો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હઠાવ્યા છતાં નાખુશ કેમ છે?

ગુજરાતના ખેડૂતો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હઠાવ્યા છતાં નાખુશ કેમ છે?

રુચિતા પુરબિયા

, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (13:00 IST)
ગત વર્ષ ડિસેમ્બરમાં ખેડૂતોને ડુંગળીના ભાવ અપેક્ષા મુજબ મળી રહ્યા હતા અને તે જ સમયે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી ડુંગળીના ભાવ કાબૂમાં લાવી દીધા.
 
ભારતે 8 ડિસેમ્બર 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.
 
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવા પાછળ સરકારનો હેતુ દેશના સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને વધતા રોકવાનો હતો. જેથી સ્થાનિકોને ઓછી કિંમતે ડુંગળી મળી રહે. પરંતુ તેનાથી ડુંગળીના ભાવ 50 ટકા કરતાં પણ વધારે ઘટી ગયા. જેના કારણે ખેડૂતોને મળતા ભાવમાં પણ ખૂબજ ઘટાડો થઈ ગયો.
 
2 મહિનાથી વધુ સમયથી ભારતભરમાં ખેડૂતો રોષે ભરાયા હતા અને વિવિધ રીતે નિકાસ પ્રતિબંધ સામે તેમનો વિરોધ દર્શાવતા હતા.
 
આ જોતા 18મી ફેબ્રુઆરીના કેન્દ્રીય સરકારે નિકાસ પરનો પ્રતિબંધ પાછો લીધો છે.
 
જોકે, ગુજરાત સહિત દેશમાં ડુંગળીની ખેતી કરનારા ખેડૂતો સરકારના આ નિર્ણયથી અસંતુષ્ટ છે.
 
 
ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હઠ્યો
મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી છગન ભુજબળે રવિવારે બપોરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું કે, "કેન્દ્ર સરકારે ગત ડિસેમ્બરમાં લાદવામાં આવેલો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હઠાવવાનો નિર્ણય લીધો છે."
 
"કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી સમિતિએ આ નિર્ણય લીધો હતો."
 
પોસ્ટમાં લખ્યું છે કે, "સમિતિએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે."
 
"નિકાસ પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ ગગડી ગયા હતા.”
 
 
પ્રતિબંધ હઠવાથી ભાવમાં ત્વરિત વધારો
અમદાવાદ એપીએમસીના આંકડાઓ અનુસાર, અમદાવાદ એપીએમસીમાં હોલસેલમાં ડુંગળીનો ભાવ, નિકાસ પર પ્રતિબંધ પહેલા એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ 8થી 20 રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને 19 ડિસેમ્બરે, નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ 10 રૂપિયાથી 30 રૂપિયા થઈ ગયો હતો.
 
6 ડિસેમ્બરે, એટલેકે નિકાસ પર પ્રતિબંધ પહેલાં, અમદાવાદ એપીએમસીમાં તેનો ભાવ 20 રૂપિયાથી 45 રૂપિયા હતો.
 
રાજકોટના ખેડૂત આગેવાન દિલીપભાઈ શાખિયા આ વિશે વાત કરતા જણાવે છે કે, "નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા પહેલા બજારમાં ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોએ 700થી 800 રૂપિયા હતા.
 
આ ભાવથી ખેડૂતો ખુશ હતા. પ્રતિબંધ લગાવ્યા બાદ આ ભાવ ઊતરીને 100થી 200 રૂપિયા થઈ ગયા અને ખેડૂતોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું.
 
ડુંગળી એક એવો પાક છે જેનો ખેડુત સ્ટોક ના કરી શકે, કારણકે જમીન વિના પણ તે ફૂટવા લાગે. તેથી તેનો જે ભાવ મળે તે જ ભાવે વેચી દેવી પડે. તેથી ખેડૂતને જે ભાવ મળે તે ભાવે જ વેચી દેવી પડે.
 
ખેડૂતનું શું કહેવું છે સરકારના આ નિર્ણય ઉપર?
ઍક્સના પોસ્ટ પર છગન ભુજબળે લખ્યું, "આ નિર્ણયથી ડુંગળીના ખેડૂતોને ખાસી રાહત મળશે અને સારો ભાવ પણ મળશે."
 
બીબીસીએ આ વિશે ગુજરાતના ખેડૂતોને પૂછ્યું કે તેમનું શું કહેવું છે આ વિશે? શું તેમને ખરેખર આનો લાભ મળશે કે કેમ?
 
રાજકોટના ભાડલા ગામના કમલેશભાઈ આજે 19 ફેબ્રુઆરીની સવારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા ગયા હતા. તે બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "આજે ડુંગળીની ભાવ 371 રૂપિયા આવ્યો છે. પ્રતિબંધ હતો ત્યારે મંદ 15થી 200 રૂપિયા ભાવ હતો.
 
"જો સરકારે આ નિકાસ ઉપરનો જે પ્રતિબંધ છે તેને વહેલા ઉઠાવ્યો હોત તો અમને તેનો લાભ મળ્યો હોત."
 
"ખેડૂતે માલ (વેપારીને) વેચી દીધો પછી નિકાસમાં છુટ આપી તેનો કોઈ મતલબ રહેતો નથી."
 
રાજકોટ જિલ્લાના મોટા દડવા ગામના અર્જનભાઈ લાવડીયા જણાવે છે કે, "નિકાસબંધી થઈ ત્યાર બાદ ડુંગળીના ભાવમાં 5થી 60 રૂપિયાનો વધારો થયો છે. મારે તો આ છેલ્લી બચેલી ડુંગળી હતી. જો સરકારે વહેલા નિકાસ પાર પ્રતિબંધ હઠાવ્યો હોત તો મારે ફાયદો થયો હોત.
 
તે વધુમાં જણાવે છે કે, "ડુંગળીમાં ખુબ જ મહેનત માંગી લે છે અને તેને વાવવામાં ખર્ચો ખૂબ જ થાય છે, જ્યારે 500-600 સુધી ભાવ મળે ત્યારે અમારો બિયારણ, દવા અને ખાતરનો ખર્ચો નીકળે, બાકી તો અમે નુકસાનમાં જઈએ."
 
જામનગરના મોટા વાડિયા ગામના સંજયભાઈ પટેલ કહે છે કે, "મારે ડુંગળીના 331 રૂપિયા મળ્યા છે. નિકાસ પ્રતિબંધ પાછો લીધા બાદ ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી વધારે વધ્યો છે."
 
તેઓ વધુમાં કહે છે કે, "થોડુંક નિર્દેશ જો થોડોક વહેલો આવ્યો હોત તો ખેડૂતને ફાયદો થાયો હોત, હવે તો મારે છેલ્લો માલ વધ્યો છે."
 
રોજકોટ માર્કેટ વિભાગના હરાજી કરનાર અશોકભાઈ ધામી જણાવે છે જે, "નિકાસ પર પ્રતિબંધ હટતાં ડુંગળીના ભાવમાં 50-100 રૂપિયાનો વધારો થયો છે. રાજ્યને જે નિકાસ માટે મેટ્રિક ટનની મર્યાદા ફાળવેલા છે તેમાં જો વધારો થાય તો હજી ખેડૂતોને સારો ભાવ મળી શકે છે."
 
ડિસેમ્બરમાં કેમ ડુંગળીના ભાવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો?
સામાન્ય રીતે નવો ખરીફ પાક બજારમાં આવે તે પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થતો હોય છે.
 
આ પ્રતિબંધ ખરીફ ઋતુના આગમનમાં વિલંબને કારણે વધતા ભાવને અટકાવવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવ્યો હતો.
 
આ સિવાય, ગુજરાતમાં ગત વર્ષે વરસાદ ખૂબ અનિયમિત રહ્યો હતો. ચોમાસા પહેલાં પણ ગુજરાતમાં સમગ્ર ઉનાળા દરમિયાન કમોસમી માવઠાં સતત ચાલુ રહ્યાં હતાં.
 
પ્રતિકૂળ હવામાનને લીધે ડુંગળીના પાક સહિત અનેક શાકભાજીને ગત વર્ષે વ્યાપક નુકસાન થયું હતું જેના કારણે ભાવ વધારે રહ્યો હતો.
 
ડુંગળીના ભાવ ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વધારો થયો છે. કારણ કે ડુંગળી માટે દેશના મોટાભાગનાં રાજ્યો એકબીજા પર નિર્ભર છે. ગુજરાત મહારાષ્ટ્ર પર તો મહારાષ્ટ્ર ઘણેખરે અંશે દક્ષિણ ભારતનાં રાજ્યો પર નિર્ભર છે, જ્યાં છેલ્લાં બે વર્ષથી સતત ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાન જઈ રહ્યું છે.
 
તેથી તેના ભાવમાં વધારો નોંધાયો હતો.
 
ભાવમાં વધારો થવાનું બીજું કારણ ડુંગળીની નિકાસની માત્રા અને ટર્કી, ઇજિપ્ત અને ઈરાન જેવા મોટા સપ્લાયરો દ્વારા લાદવામાં આવેલા વેપાર અને બિન-વેપાર પ્રતિબંધો જેવી વૈશ્વિક સ્થિતિ હતી.
 
કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા જતા ભાવોને કાબૂ કરવા માટે નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેના કારણે બજારમાં ડુંગળીના ભાવ તો થોડા કાબૂમાં આવ્યા હતા પરંતુ ખેડૂતો ખુશ નહોતા.
 
આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી લાગુ થયો હતો.
 
ઘણી જગ્યાએ ખેડૂતોએ નિકાસના પ્રતિબંધનો વિરોધ નોંધાવ્યો હતો.
 
રોષે ભરાયેલા ધોરાજીમાં ખેડૂતે ‘ડુંગળીમાં સમાધિ’ લેવાનો કાર્યક્રમ પણ કર્યો હતો.
 
સરકાર બજાર ભાવને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે?
ખેડૂતોને પ્રતિકૂળ અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, સરકાર ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ ખેડૂતો પાસેથી સતત ડુંગળીની ખરીદી કરે છે.
 
પીઆઈબીની પ્રેસ નોટ પ્રમાણે, ગત વર્ષે 2023માં સરકારે એનસીસીએફ અને નાફેડને બફર માટે 7 લાખ ટન ડુંગળીની ખરીદી કરવાનો નિર્દેશ આપ્યો હતો. નવેમ્બર સુધીમાં, લગભગ 5.10 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી, અને બાકીના જથ્થાની ખરીદી ચાલુ હતી.
 
સરકાર દ્વારા ખરીદી કરવામાં આવતી ડુંગળીનું ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે અને ગ્રાહકોને સીધા છૂટક વેચાણ અથવા વિવિધ અન્ન યોજનાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે.
 
આનાથી બજારમાં ડુંગળીના ભાવ કાબૂમાં રહે છે.
 
બફરમાંથી નિકાલ કરાયેલ 2.73 લાખ ટન ડુંગળીમાંથી, લગભગ 20,700 મિલિયન ટન 213 શહેરોમાં છૂટક ગ્રાહકોને 2,139 રિટેલ પોઇન્ટ દ્વારા વેચવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ એરપોર્ટમાં તમામ 7 ઈ-ગેટ પર DigiYatra શરૂ