Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુહાગરાત પહેલાં પતિ-પત્ની આ મંદિરમાં કેમ જાય છે?

radha Venu Gopala Swamy Temple

લખોજુ શ્રીનિવાસ

, સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (09:21 IST)
radha Venu Gopala Swamy Temple
 
આંધ્રપ્રદેશ અને ઓડિશા બૉર્ડરે સ્થિત શ્રીકાકુલમ જિલ્લા મેલિયાપુટ્ટિ ખાતે રાધા વેણુગોપાલસ્વામીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે ત્યાં નવવિવાહિત યુગલ સુહાગરાત પહેલાં જાય છે. તેમજ ભાઈ-બહેન ત્યાં સાથે જતાં નથી.
 
પાછલાં 200 વર્ષોથી આ રિવાજ ચાલતો આવ્યો છે.
 
આ મંદિર આંધ્રનાં ખજૂરાહો તરીકે પણ ઓળખાય છે. આ મંદિરની શિલ્પકલા અને બાંધકામની દૃષ્ટિએ વિશેષ મનાય છે. મંદિરના નિર્માણ સાથે પણ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે.
 
રાધા વેણુગોપાલસ્વામી મંદિર મુખ્ય રસ્તા પર જ આવેલું છે. રસ્તાની નિકટ બે ધનુષ આકારની રચનાઓ વચ્ચેથી પસાર થઈને મંદિરના વિશાળ પ્રાંગણમાં પહોંચાય છે.
 
મંદિરનું પ્રાંગણમાં પણ જ્યાં-જ્યાં નજર પડે ત્યાં સુંદર કોતરણીકામ જોવા મળે છે. આગળ ચાલતા પથ્થરનાં પગથિયાંથી થઈને ગર્ભગૃહમાં જવાય છે.
 
મંદિરની ચારે બાજુએ બધી દીવાલો પર સુંદર શિલ્પકામ દેખાય છે. મંદિરની છત પર દેખાતી ફૂલાકાર આકૃતિઓ પ્રથમ દૃષ્ટિએ એકસરખી જણાતી હોવા છતાં ધ્યાનથી જોતાં ખબર પડે છે કે દરેક આકૃતિ એકબીજાથી અલગ છે.
 
જ્યારે બીબીસીની ટીમ આ મંદિરે પહોંચી ત્યારે ત્યાં કોઈ દર્શનાર્થી નહોતું.
 
પરંતુ સામાન્યપણે અહીં આવતા દર્શનાર્થીઓ મંદિરનાં દર્શનની સાથોસાથ દીવાલો પરનાં શિલ્પોનેય માણે છે. કેટલાક દર્શનાર્થી મંદિરનાં શિલ્પો અને તેની વિશેષતા અંગે પૂજારી પાસેથી માહિતી પણ મેળવે છે.
 
આ મંદિરના મુખ્ય પૂજારી ગોપીનાથ રથોએ બીબીસી સાથે વાત કરી.
 
તેમણે કહ્યું કે આ મંદિરનું નિર્માણ વર્ષ 1840માં કલિંગ શૈલીમાં કરાયું હતું.
 
મહારાણીની વિનંતી બાદ બન્યું મંદિર
 
 
મુખ્ય પૂજારીએ આપેલી માહિતી અનુસાર 1840માં મેલિયાપુટ્ટિ વિસ્તાર એ મહારાજા વીરાવીરેન્દ્ર પ્રતબા રુદ્ર ગજપતિ નારાયણદેવના તાબામાં હતું.
 
પૂજારી ગોપીનાથ રથો જણાવે છે કે, “એ સમયે મહારાણી વિષ્ણુપ્રિયાએ મહારાજને વિનંતી કરી કે શિલ્પકલા ખીલી ઊઠે એ હેતુથી મંદિરનું નિર્માણ કરાય. મહારાણીની ઇચ્છા મુજબ આ મંદિરનું નિર્માણ કરી પણ દેવાયું.”
 
“આ મંદિર બનાવવા માટે ઓડિશાના પુરીથી કારીગરોને બોલાવાયા. તેમણે મંદિરના દર્શનાર્થીઓ 64 કળાને સમજી શકે એ હેતુને ધ્યાને રાખીને શિલ્પકારોને કામ કરવાની સૂચના આપી.”
 
ગોપીનાથે આગળ જણાવ્યું કે, “તેથી અહીંનાં શિલ્પોમાં 64 કળાનાં દર્શન થાય છે. મંદિરની દીવાલો પરનાં શિલ્પકામમાં પણ આ બાબતનું ધ્યાન રખાયું છે.”
 
આ મંદિરમાં શ્રીકૃષ્ણની પૂજા થાય છે.
 
મુખ્ય પૂજારી આગળ જણાવે છે કે, “આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરનાં પગથિયાંથી માંડીને શિખર સુધી દરેક ભાગ મહત્ત્વપૂર્ણ માહિતી આપે છે. મંદિરની ચારેય દીવાલો પર 64 કળાને રજૂ કરતી એક ફૂટ લાંબી અને એક ફૂટ પહોળી મૂર્તિઓ જોવા મળે છે. અહીં આવનાર દર્શનાર્થીઓ આ મૂર્તિઓનું શિલ્પકામ અને કળા નિહાળવામાં ઘણો સમય ગાળે છે.”
 
સુહાગરાત પહેલાં મંદિરની મુલાકાત
 
ગોપીનાથ રથો કહે છે કે આ મંદિરે આવતા લોકો વેદિક શાસ્ત્ર અને 64 કળાથી માહિતગાર બને એ હેતુ છે. અહીંનાં શિલ્પોમાં કેટલાંક પ્રેમ સાથે સંકળાયેલાં શિલ્પો પણ સામેલ છે.
 
ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચરલ હેરિટેજ (INTAC)ના પ્રવક્તા વાવીલાપલ્લી જગન્નાથ નાયડુ કહે છે કે, “એ સમયે સેક્સ અંગે ખૂબ ઓછી જાગૃતિ હતી. આ મુદ્દે જાહેરમાં ચર્ચા થતી નહોતી. તેથી આ અંગેનાં શિલ્પો મંદિરની દીવાલો પર બનાવાયાં. શિલ્પકારોનો ઉદ્દેશ એ હતો કે જે લોકો આ મંદિરમાં આવે તેમને આ મુદ્દે વધુ જાણકારી મળે.”
 
ગોપીનાથે ઉમેર્યું કે આસપાસનાં ગામોનાં નવપરિણીત યુગલો સુહાગરાત પહેલાં મંદિરે આવે છે.
 
“આસપાસનાં લગભગ 50 ગામોનાં નવપરિણીત યુગલો પહેલાં આ મંદિરે આવે છે. તેઓ મંદિરની ત્રણ વખત પરિક્રમા કરે છે. મંદિરમાં સેક્સ ઍજ્યુકેશન સંબંધી કેટલાંક શિલ્પો છે. જ્યારે એ શિલ્પો જુએ છે, તે બાદ તેમની સુહાગરાતની તૈયારી કરાય છે.”
 
તેઓ કહે છે કે, “મંદિરની સ્થાપના બાદથી આ રિવાજ ચાલતો આવ્યો છે, જે આજ દિન સુધી ચાલુ છે. બાળક ધરાવતાં યુગલો પણ દર્શનાર્થે મંદિરે આવે છે.”
 
ભાઈ-બહેન એકસાથે મંદિરે નથી આવતાં
 
ગોપીનાથ રથો જણાવે છે કે ખાસ કરીને ભાઈ-બહેન આ મંદિરની મુલાકાતે એક સાથે નથી આવતાં.
 
તેઓ કહે છે કે, “મંદિરની દીવાલો પર કામઆસનોને લગતાં શિલ્પો હોવાને કારણે કેટલાક યુવક-યુવતીઓ થોડી શરમ પણ અનુભવે છે. જ્યારે ભાઈ-બહેન એક સાથે મંદિરે આવે ત્યારે શરમિંદગી પણ મહેસૂસ કરે છે.”
 
“તેથી એક સમયે કહેવાતું કે ભાઈબહેને એક સાથે આ મંદિરે ન આવવું જોઈએ. મંદિરમાં કામઆસનોને લગતાં ઘણાં શિલ્પો હોવાને કારણે એક જ પરિવારના સભ્યો પણ મંદિરની મુલાકાતે આવી નહોતા શકતા. પરંતુ હવે આવો કોઈ પ્રતિબંધ નથી.”
 
“જોકે, કેટલાક લોકો આ વાતને પ્રાચીન રિવાજ માનતા હોઈ આજે પણ તેનું પાલન કરે છે. દર વર્ષે હોળીના તહેવારે ઘણા યુવાનો આ મંદિરની મુલાકાત લે છે.”
 
શિલ્પકામ માટે પ્રખ્યાત મંદિર
 
ગોપીનાથ જણાવે છે કે એક સમયે આ મંદિર ‘આંધ્ર ખજૂરાહો’ કહેવાતું.
 
તેમણે કહ્યું, “અહીં કૃષ્ણજીવનલીલાનાં શિલ્પો છે. જ્યારે આ મંદિરની વાત થાય તો લોકોનાં મનમાં અહીંના સુંદર શિલ્પકામનો વિચાર જરૂર આવે છે.”
 
મંદિરના વધુ એક પૂજારી સત્યનારાયણ રથોએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે આ મંદિરની વધુ એક વિશેષતા છે.
 
તેમણે કહ્યું, “મંદિરના શિખર પર પથ્થરમાંથી કોતરાયેલાં 64 ફૂલો છે. એક જેવાં દેખાતાં હોવા છતાં નિકટથી જોતાં બધાં અલગ અલગ જણાય છે. એ 64 કળાનું પ્રતીક છે. આ વિસ્તારમાં આવેલા અન્ય કોઈ મંદિરમાં આવું કોતરણીકામ નથી.”
 
મંદિરને સાચવણીની જરૂર
 
ગોપીનાથ જણાવે છે કે પથ્થરથી બનાવાયેલા આ મંદિર પર રંગરોગાન કરાવાને કારણે તેની વિશેષતા હવે એટલી દૃશ્યમાન નથી.
 
તેઓ કહે છે કે, “આખું મંદિર પથ્થરનું બનેલું છે, પરંતુ તેના પર ઘણા રંગો દ્વારા કલરકામ કરાયું છે.”
 
સત્યનારાયણ રથો કહે છે કે યોગ્ય જાળવણીના અભાવને કારણે પથ્થરો ખવાઈ રહ્યા હતા. તેથી એક શ્રદ્ધાળુએ તેના પર રંગરોગાન કરી દીધું.
 
જગન્નાથ નાયડુએ કહ્યું, “આ મંદિરના નિર્માણ પાછળ મહારાજાનો મુખ્ય હેતુ લોકોને વેદ, કળા અને સેક્સનું જ્ઞાન પીરસવાનો હતો.”
 
“નિર્માણ બાદથી રાજપરિવાર તેની જાળવણી કરતું હતું. પરંતુ હાલના દિવસોમાં કોઈ ફંડિંગ ઉપલબ્ધ નથી. તેથી ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ આ મંદિર જાળવણી ઝંખી રહ્યું છે.”
 
તેમણે કહ્યું, “પુરાતત્ત્વ ખાતું અને સરકારે આ મંદિરની જાળવણી માટે પગલાં લેવાં જોઈએ. આ મંદિરની શિલ્પકળા અને જ્ઞાનનું ભાથું આવનારી પેઢીને મળે એ સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે.”
 

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS દ્વારા મુંબઈથી ધરપકડ, હેટ સ્પીચ મામલે ફસાયા મૌલાના