Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યું, વિરાટે વનડેમાં સચીનની 49 સદીની બરોબરી કરી, સચિને પાઠવ્ય અભીનંદન

Virat kohli
, સોમવાર, 6 નવેમ્બર 2023 (09:39 IST)
કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મૅચમાં ભારત 243 રનથી મૅચ જીતી ગયું છે. સાથે જ વિરાટ કોહલીએ નોટઆઉટ રહીને 101 રન કરીને સચીન તેડુંલકરના વનડેમાં 49 સદીના વિક્રમની બરાબરી પણ કરી લીધી છે. આજે વિરાટનો જન્મદિવસ પણ હતો.
 
એટલું જ નહીં, ભારતે દક્ષિણ આફ્રિકાને 100 રનોની અંદર ઓલઆઉટ કરી દીધું. ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટો લીધી જ્યારે કોહલીએ 121 બૉલમાં તેમની 49મી વનડે સદી ફટકારી હતી.
 
ભારતે આપેલા 327 રનના લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકા માત્ર 83 રનો બનાવીને 27.1 ઑવરોમાં જ ઓલઆઉટ થઈ ગયું.
 
કોહલીએ સચીનની વનડેમાં કુલ 49 સદીનો વિક્રમ બરાબર કરી લેતા સચીન તેડુંલકરે તેમને શુભેચ્છા પાઠવી હતી.
 
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે "વિરાટ શાનદાર રમત રમી. મને 49થી 50 (વર્ષ)નો થવામાં 365 દિવસ લાગ્યા, પરંતુ હું આશા રાખું છું કે તમે આગામી દિવસોમાં જ 49 થી 50 (સદી) સુધી પહોંચો અને મારો રેકર્ડ તોડો. અભિનંદન."

 
દક્ષિણ આફ્રિના શમ્સી અને રબાડા સહિત મહારાજે ચુસ્ત બૉલિંગ કરી હતી. પહેલાં ભારત 350 રન કરી શકશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેમની ચુસ્ત બોલિંગના લીધે ભારત 300 રન કે 315-320 કરી શકશે તેવી સ્થિતિ સર્જાઈ હતી. વિરાટ કોહલી 97 રન પર હતા અને ભારત 296 રનના સ્કૉરે હતા. 48મી ઑવર ચાલી રહી હતી. શમ્સી તેમની છેલ્લી ઑવર નાખી રહ્યા હતા અને ભારતના ચાહકો એ રાહમાં હતા કે કોહલીની સદી સાથે તે સચીનના વિક્રમની બરાબરી કરે અને ભારત 300 રન પૂરા કરે. જોકે ભારતે 300 રન પૂરા કરી લીધા હતા. 49મી ઑવરમાં જાડેજા સ્ટ્રાઇક પર હતા અને સામે કોહલી 99 રનના વ્યક્તિગત સ્કોર પર હતા. 
 
રબાડાએ ઑવર શરૂ કરી અને પહેલા જ બૉલે જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. રબાડાના ત્રીજા બૉલ પર કોહલીએ એક રન લઈને સદી પૂરી કરી અને 49મી સદી ફટકારી. કોહલીએ વનડેમાં સચીનનો વનડેમાં કુલ 49 સદીના વિક્રમની બરાબરી કરી લીધી અને આ વર્લ્ડકપમાં તેમની બીજી સદી ફટકારી. તેમણે તેમના જન્મદિવસે જ સદી ફટકારતા ચાહકો અત્યંત ખુશ થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સચીન પણ એવા બૅટ્સમૅન હતા, જેમણે જન્મદિવસના દિવસે સૅન્ચુરી ફટકારી હતી.
 
સ્ટેડિયમમાં 'હેપ્પી બર્થ ડે'ની શુભેચ્છાથી મેદાન ગુંજી રહ્યું હતું. જાડેજાએ આખરી ઑવરમાં એક સિક્સર ફટકારી હતી. 95 મીટરની એ સિક્સરથી ચાહકો ઝૂમી ઊઠ્યા હતા. જોકે જાડેજાની વિસ્ફોટક ઇનિંગે ભારતને 320થી આગળ વધારી દીધું હતું. ભારતે 50 ઑવરમાં 5 વિકેટે 326 રનનો સ્કૉર કર્યો. જેમાં વિરાટ કોહલીના અણનમ 101 રનની ઇનિંગનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. 
 
ભારતની અસરકારક બેટિંગ
 
ભારતને ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને રોહિત શર્મા સાથે શુભમન ગીલ ઑપનિંગમાં ઊતર્યા હતા. જેમાં ભારતને બંનેએ વિસ્ફોટક બેટિંગથી ઝડપી શરૂઆત અપાવી હતી. પરંતુ રોહિત શર્માની પહેલી વિકેટ બાદ શુભમન ગીલ પણ આઉટ થઈ જતા ભારતે 100 રનની અંદર 2 વિકેટો ગુમાવી દીધી હતી.
રોહિત શર્માએ 40 રન જ્યારે ગીલે 29 રન કર્યાં હતા. ત્યાર બાદ 'બર્થડે બોય' વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સંભાળી હતી.
 
ભારતની બેટિંગની શરૂઆત સારી રહી હતી પરંતુ તેણે શરૂઆતમાં જ 2 વિકેટો ગુમાવી દીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડા અને મહારાજને પ્રારંભિક સફળતા મળી હતી. રબાડાએ રોહિતને પહેલા આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી હતી. વળી 21મી ઑવરમાં જ્યારે વિરાટ કોહલીની કટ-એન્ડ-કૅચની દક્ષિણ આફ્રિકાએ અપીલ કરી હતી. પણ અમ્પાયરે નોટઆઉટ આપતા તેમણે રિવ્યૂ પણ લીધો ત્યારે સૌના શ્વાસ અધ્ધર થઈ ગઈ હતા.
પરંતુ રિવ્યૂમાં તે નોટઆઉટ નિર્ણય યથાવત્ રહ્યો હતો. જેથી ભારતીય ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શ્રેયસ અને કોહલીએ અર્ધસદી પૂરી કરતા ભારત ફરી એક મજબૂત સ્થિતિમાં આવ્યું હતું. સૌને આશા હતી કે કોહલી આજે વનડેમાં 49 સદી ફટકારવાનો સચીન તેડુંલકરના વિક્રમની બરાબરી કરી લેશે.
 
શ્રેયસ અને કોહલી બંને સૅન્ચુરી તરફ આગળ વધી રહ્યા હતા. જેથી ભારતીય ચાહકોમાં ઘણો જોશ જોવા મળી રહ્યો હતો. જોકે શ્રેયસ અય્યર ઘણા ભાગ્યશાળી રહ્યા. જેમાં કેટલાક કૅચાઉટનાં જોખમો છતાં તેઓ આઉટ થતા બચી ગયા હતા. પણ તેમણે આનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને આક્રમક બેટિંગ કરતા રહ્યા. પરંતુ આખરે એક ઊંચો શોટ મારવાના પ્રયાસમાં તેઓ આઉટ થઈ ગયા હતા. શ્રેયસ 77 રને આઉટ થયા હતા. પણ કોહલી અને અય્યર વચ્ચે સારી ભાગીદારી થઈ હતી, જેથી ભારતનો 35 ઑવરમાં 200 રનનો સ્કૉર થઈ ચૂક્યો હતો. 
 
શ્રેયસ અય્યરની વિકેટ પડતા કે. એલ. રાહુલ બેટિંગ માટે આવ્યા હતા. જોકે તેઓ પણ 8 રન બનાવી આઉટ થઈ ગયા હતા. દરમિયાન વિરાટ કોહલી ક્રિઝ પર હાજર હોવાથી ભારતીય ચાહકોમાં હજુ પણ આશા યથાવત્ હતી કે ભારત 300 રનનો સ્કૉર તો કરી શકશે. દક્ષિણ આફ્રિકાએ ભારતીય બૅટ્સમૅનને નિયંત્રણમાં રાખ્યા હતા અને વધુ ચોગ્ગા કે છગ્ગા મારવાની તક નહોતા આપી રહ્યા. સૂર્યકુમાર યાદવ રિવર્સસ્વિપ મારતી વખતે કીપરને કૅચ આપી બેઠા અને તેઓ પણ પેવેલિયન ભેગા થયા. જોકે તેમણે કેટલીક બાઉન્ડ્રી સાથે ભારતને 300 નજીક પહોંચવામાં મદદ કરી હતી.
 
દક્ષિણ આફ્રિકા ભારતના બૉલરો સામે ઘૂંટણે પડી ગયું
 
દક્ષિણ આફ્રિકાની શરૂઆત ધીમી રહી અને 22 રનોમાં 2 વિકેટો ગુમાવી દીધી. ક્વિન્ટન ડી કૉક અને કપ્તાન બવુમા પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
મોહમ્મજ સિરાઝે ભારતને પહેલી સફળતા અપાવી હતી, જ્યારે જાડેજાએ બીજી વિકેટ લીધી હતી. જાડેજાએ બવુમાને ક્લિન બોલ્ડ કર્યા હતા. તેઓ માત્ર 11 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. સિરાઝે પણ ક્વિન્ટન ડી કૉકને ક્લિન બોલ્ડ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી.
 
મોહમ્મદ શમીની ઑવરમાં મારકમ કીપરને કૅચ આપી બેઠા અને ભારતને ત્રીજી વિકેટ મળી ગઈ. કે. એલ. રાહુલે વિકેટ પાછળ શાનદાર કૅચ પકડી લીધો અને દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં મૂકાયું. દક્ષિણ આફ્રિકાએ 10 ઑવરમાં 35 રનોમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
 
જોકે જાડેજાએ ક્લાસેનને એલબીડબ્લ્યૂ કરતા ભારતે અપીલ કરી હતી. પણ અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો. વિકેટકીપર રાહલુ વધુ કૉન્ફિડન્ટ ન હતા જ્યારે જાડેજાને વધુ કૉન્ફિડન્સ હતો કે બૉલ સ્ટમ્પમાં જ જઈ રહ્યો છે. કપ્તાન રોહિત શર્માએ શરૂમાં જાડેજા સામે થોડો ખચકાટ અનુભવ્યો. પરંતુ પછી તરત જ તેમણે રિવ્યૂ લઈ લીધો અને તેમાં ખરેખર આઉટ નિર્ણય જાહેર કરાયો. તરત જ એના પછીની 14મી ઑવરમાં શમીએ વેન ડર ડ્યૂસેનને એલબીડબ્લ્યૂ કરતા ફરી ભારતે અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે નોટઆઉટ આપતા શમી અને રાહુલ બંનેએ રિવ્યૂ માટે તૈયારી બતાવતા રોહિત શર્માએ રિવ્યૂ લઈ લીધો હતો.
 
આ વખતે પણ રિવ્યૂ સફળ રહ્યો અને ભારતને 5મી સફળતા મળી. દક્ષિણ આફ્રિકાએ માત્ર 40 રનોમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જાડેજાએ ફરી એક વાર જાદુ ચલાવતા ડેવિડ મિલર 17મી ઑવરમાં ક્લિન બોલ્ડ થઈ ગયા. જાડેજાએ એની પહેલાના બૉલ પહેલા પર કૅચાઉટની અપીલ કરી હતી પણ એ સફળ નહોતી રહી. પણ આખરે તેમણે વિકેટ લઈ જ લીધી અને દક્ષિણ આફ્રિકાએ 59 રનોમાં 6 વિકેટ ગુમાવી દીધી. જાડેજાએ ત્રણ મહત્ત્વની વિકેટો લીધી જેમાં બે ક્લિન બોલ્ડ છે.
 
આજે જાડેજાએ દક્ષિણ આફ્રિકાની ટીમને એક પછી એક પેવેલિયન મોકલવાનું ચાલુ જ રાખ્યું હતું. જાડેજાએ એક વાર ફરી વિકેટ લીધી જેમાં કેશવ મહારાજને ક્લિન બોલ્ડ કરતા દ. આફ્રિકાએ 7મી વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ સાથે જ જાડેજાની કુલ 4 વિકેટ થઈ ગઈ અને તેમાં 3 વિકેટ ક્લિનબોલ્ડની છે.
જાડેજાએ છેલ્લે છેલ્લે તેમની ઓવરમાં જ રબાડાનો કેચ ઝડપી લીધો અે પોતાની 5 વિકેટ ઝડપી લીધી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતનામાંથી ડુપ્લીકેટ IPS પકડાયો