ગત વર્ષની સરખામણીએ પશુપાલન અને ડેરીઉદ્યોગ માટેની બજેટીય ફાળવણીમાં લગભગ 40%નો વધારો
એનડીડીબીના ચેરમેન મીનેશ શાહે પશુપાલન, ડેરીઉદ્યોગ અને મત્સ્યપાલન પર ફૉકસની સાથે રૂ. 20 લાખ કરોડના કૃષિ ધીરાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવાના સરકારના ઐતિહાસિક પગલાંને આવકાર્યું હતું. અમૃતકાળનું પ્રથમ બજેટ સહકારી આધારિત આર્થિક વિકાસના મોડલ મારફતે પશુધન અને ડેરી ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવાની સરકારની કટિબદ્ધતાનો પુરાવો છે. ગત વર્ષની સરખામણીએ પશુપાલન અને ડેરીઉદ્યોગ માટેની બજેટીય ફાળવણીમાં લગભગ 40%નો વધારો કરીને રૂ. 4327.8 કરોડ કરવામાં આવી છે, જે રાષ્ટ્રીય અર્થતંત્રમાં આ ક્ષેત્રના મહત્ત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલું એક આવકારદાયક પગલું છે.
એનડીડીબીના ચેરમેને સહકાર મંત્રાલય દ્વારા ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવાના જનાદેશની સરાહના કરી હતી. આગામી 5 વર્ષમાં આવરી લેવામાં ન આવી હોય તેવી પંચાયતો અને ગામોમાં ડેરી સહકારી મંડળીઓ સહિત બહુહેતુક સહકારી સોસાયટીઓની સ્થાપના થવાથી પશુપાલકોને માર્કેટ સુલભ બનાવવામાં, તેમના નફાને વધારવામાં અને આવી સહકારી મંડળીઓને સદ્ધર બનાવવામાં મદદરૂપ થશે. કૉઑપરેટિવ સોસાયટીઓના દેશવ્યાપી મેપિંગ માટેનો નેશનલ કૉઑપરેટિવ ડેટાબેઝ વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના વધુ કાર્યક્ષમ રીતે આયોજન, નિરીક્ષણ અને અમલીકરણમાં મદદરૂપ થશે.
એનડીડીબીના ચેરમેને માનનીય વડા પ્રધાનના ‘LiFE’ અથવા લાઇફસ્ટાઇલ ફૉર એન્વાર્યમેન્ટ માટેના વિઝનને આવકાર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, GOBARdhan (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રીસોર્સિસ ધન) હેઠળ સ્થાપવામાં આવનારા 500 નવા ‘વેસ્ટ ટુ વેલ્થ’ પ્લાન્ટ્સ આ વિઝનને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
200 કૉમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) પ્લાન્ટ્સ અને 300 કમ્યુનિટી અને ક્લસ્ટર-આધારિત પ્લાન્ટ્સ સ્થાપવા માટે રૂ. 10,000 કરોડનું રોકાણ ક્લીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપશે, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડશે અને ખેડૂતોની આવકને વધારશે. કુદરતી અને બાયો ગેસના વેચાણમાં સંકળાયેલા સંગઠનો માટે બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યાં મુજબ 5 ટકાનું સીબીજી મેન્ડેટ ગ્રીન એનર્જીના પ્રચાર-પ્રસારને અત્યાવશ્યક પ્રોત્સાહન પૂરું પાડશે.
આ ઉપરાંત, તેમણે 10,000 બાયો-ઇનપૂટ રીસોર્સ સેન્ટરોની સ્થાપના કરી એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવાની સુવિધા પૂરી પાડવાની પહેલને બિરદાવી હતી. તેનાથી રાષ્ટ્રીય સ્તરના સક્ષમ વિતરણ નેટવર્કની રચના થશે, જે સ્લરી-આધારિત બાયો ફર્ટિલાઇઝર્સના પ્રચાર-પ્રસાર અને માર્કેટિંગમાં એનડીડીબીની પહેલને આગળ વધારવામાં મદદરૂપ થશે.
નવી ઉત્પાદન કંપનીઓની જેમ નવી સહકારી મંડળીઓને 15 ટકાના રાહત દરે કરવેરા ચૂકવણી કરવાનો લાભ પૂરો પાડવાથી નવી સહકારી મંડળીઓની સ્થાપનાને પ્રોત્સાહન મળશે અને પ્રારંભિક તબક્કા દરમિયાન આર્થિક વ્યવહાર્યતા હાંસલ કરવામાં પણ સમર્થન પૂરું પાડશે.
એનડીડીબીના ચેરમેને ટીડીએસ કપાયા વગર રોકડ ઉપાડ માટેની મર્યાદાને વધારવાની સહકારી મંડળીઓની લાંબાગાળાથી પેન્ડિંગ માંગને સંતોષવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. રોકડ ઉપાડ માટેની મર્યાદાને વર્તમાન રૂ. 1 કરોડથી વધારીને રૂ. 3 કરોડ કરી દેવામાં આવી છે. તેનાથી ટીડીએસનું રીફન્ડ માંગવા પાછળ ખર્ચાતા નોંધપાત્ર પ્રયત્નો અને સમયની બચત થશે.
તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ ખેડૂતો તરફી, પર્યાવરણને સુસંગત અને વિકાસને પ્રોત્સાહન આપનારું છે. બજેટ 2023-2024માં ગ્રામ્ય અને સહકારી ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોવાથી તે આપણા લાખો ખેડૂતો/પશુપાલકોના જીવનનો ઉદ્ધાર થાય તેની ખાતરી કરી ડેરીઉદ્યોગને આગળ લઈ જવામાં ઘણું મદદગાર સાબિત થશે.