તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાનું કેન્સરની બીમારીથી નિધન થયું છે. ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તારક મહેતા સીરીયલ માં તેમણે નટુકાકા નો રોલ નિભાવ્યો હતો. તેમનો આ કિરદાર લોકોએ ખુબ વખાણ્યો. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા અને તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી એક્ટિંગ કરવા માંગે છે તેમ જ તેમની ઈચ્છા તારક મહેતાના સેટ ઉપર અંતિમ શ્વાસ લેવાની છે.
નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતીસપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું
મહેસાણા જિલ્લાાં થયો હતો જન્મ
ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. તેમણે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.