surat - ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકરી રહ્યો છે ત્યારે સુરતમાં ચોમાસામાં પાવરકટની સમસ્યાથી લોકો હેરાન થઈ ગયાં છે.સોમવારે મોડીરાત્રે શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીના રહીશો વિરોધ કરવા વીજ કંપનીની મુખ્ય કચેરી પર ગાદલાં લઈને પહોંચી ગયા હતા.સોસાયટીના રહીશોએ થાળી વગાડીને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો. હાય રે હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
થાળી વગાડીને રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો
સુરત શહેરમાં જીઇબી સ્માર્ટ મીટર અને વીજળી બિલને લઈ વિવાદમાં છે તો બીજી બાજુ પાવરકટની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.હળવો વરસાદ થાય ત્યારે વીજળી કટ થવાની સમસ્યાથી લોકો મુશ્કેલમાં મુકાયા છે.સુરત શહેરના પુના ગામ વિસ્તાર ખાતે આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડીરાત્રે પાવરકટની સમસ્યા ઊભી થતા સોસાયટીના રહીશો ગાદલાં સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગીચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા.કચેરી બહાર થાળી વગાડીને રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓ કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી
સોસાયટીના પ્રમુખ સંજયભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં માત્ર ત્રણ દિવસ જ પાવર આપે છે. રોજ રાત્રે 9થી 10 વાગ્યા સુધીમાં પાવર કટ કરે છે. ત્યારપછી મેસેજ મોકલી આપે છે કે, પાવર રાત્રે બે વાગ્યે અથવા તો ત્રણ વાગ્યે આવશે. જ્યારે અધિકારીને ફોન કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે, અમે કામમાં છીએ. કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી. આ લોકો પ્રાઇવેટ કંપની કરતાં પણ વધારે ભાવ લે છે. પરંતુ સુવિધા કોઈપણ પ્રકારની આપતા નથી. પબ્લિકની સમસ્યા જેમની તેમ છે નિકાલ લાવતા નથી. દરેક સોસાયટીમાં દરરોજ પાવર કટ થાય છે.