પ્રો કબ્બડી લીગ (પીકેએલ)ની સિઝન-7ની શરૂઆત થાય તે પહેલાં પીકેએલમાં રમી રહેલી 12 ટીમમાંથી મજબૂત પ્રાદેશિક ટીમનું નિર્માણ કરનાર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (જીએફજી) ના ખેલાડીઓને ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રધાન શ્રી ઈશ્વરસિંહ પટેલને આજે મળવાની તક પ્રાપ્ત થઈ હતી.
ગાંધીનગરમાં યોજાયેલી આ મુલાકાતમાં કોચ મનપ્રીત સિંઘ અને કોચ નીર ગુલિયા અને હાલમાં રમી રહેલા ખેલાડીઓ સુનીલ મલિક, પરવેશ ભૈસવાલ, સચિન તવર અને સોનુ જગલન પણ હાજર રહ્યા હતા. આ ટીમની સાથે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ટીમના સીઈઓ શ્રી સંજય અદેસરા પણ જોડાયા હતા.
પ્રધાનશ્રી સાથેની વાતચીત દરમ્યાન ટીમ દ્વારા કબ્બડી હવે પ્રોફેશનલ સ્તરે પહોંચી હોવા અંગે વાતચીત થઈ હતી. આ ઉપરાંત તેમણે ટુર્નામેન્ટ લીગ અને હાલમાં ચાલી રહેલી પ્રેક્ટીસની ભિન્ન પ્રકારની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. પ્રધાનશ્રીએ તેમને આ સિઝનનો ઉત્તમ દેખાવ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
તેમણે જેએફજીની ટીમમાં રેઈડર્સ અને ડિફેન્ડર્સની સમતોલ ગોઠવણની પ્રશંસા કરી હતી અને રાજ્યમાં કબ્બડીની રમતને લોકપ્રિય બનાવવા માટે મેનેજમેન્ટ દ્વારા લેવાઈ રહેલા પગલાંઓની પ્રશંસા કરી હતી.