યુક્રેનમાં ભોજન, પીવાના પાણી અને વિજળીની ભારે સમસ્યાનો અનુભવ થયો -પૂજા અશોકભાઈ પટેલ
----------
યુક્રેનથી સુરત પરત ફરેલી ૧૯ વર્ષીય પૂજા અશોકભાઈ પટેલે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હું યુક્રેનના ચેનીવિત્સી શહેરમાં આવેલી બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. હું ગત ડિસેમ્બર મહિનામાં જ યુક્રેન અભ્યાસ માટે ગઈ હતી. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભયના માહોલ વચ્ચે ભારત પરત ફરવા ખૂબ પ્રયાસો કર્યા. સુરતમાં રહેતાં માતાપિતા ખૂબ ચિંતિત હતાં. હજુ યુદ્ધ વધુ વણસે તેવા ભયના ઓથાર હેઠળ મારા ઘણાં મિત્રો, સહાધ્યાયીઓ જીવી રહ્યાં છે. કિવ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં રશિયા દ્વારા બોમ્બમારો થઇ રહ્યો છે. ભોજન, પીવાના પાણી અને વિજળીની ખૂબ સમસ્યા અનુભવી હતી. ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમને સહાય પૂરી પાડવામાં આવી રહી હતી, અને શક્ય તેટલા વિદ્યાર્થીઓને એમ્બેસી દ્વારા ભારત પરત મોકલવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અણીના સમયે મદદ મોકલીને ભારત આવવાની ખાસ વિમાન વ્યવસ્થા કરી હતી. જે બદલ અમે સરકારના આભારી છીએ.'
પૂજાના પિતા અશોકભાઈ પટેલ જણાવે છે કે, મારી દીકરી પૂજાને હેમખેમ સુરત પરત આવેલી જોઇને અતિ આનંદ થઈ રહ્યો છે. અમે દીકરીના સતત સંપર્કમાં હતાં, અને સ્થાનિક ધારાસભ્યો-સાંસદશ્રીઓને રજૂઆત કરી, જેમણે ઉમદા સહયોગ આપી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી અમારી ચિંતા જણાવી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ખૂબ ઋણી છીએ કે જેમણે યુક્રેનથી ભારત લાવીને અમારા સંતાનોને ઉગારી લીધા છે.
..............
અમારા ઘણાં સાથીમિત્રો યુદ્ધ નહીં થાય એવું માનતાં હતાં -આરશ્વી શાહ
યુક્રેનના ચેનીવિત્સી શહેરમાં રહેતી અને બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિની આરશ્વી કલ્પેશભાઈ શાહ સુરત પરત આવતાં જ આંસુભર્યા ચહેરે માતાપિતાને ભેટી પડી હતી.
આરશ્વીએ ગળગળા અવાજે આપવિતી વર્ણવતાં કહ્યું કે, ભારતીય એમ્બેસી દ્વારા ગત તા.૧૫મી ફેબ્રુઆરીથી જ સમય ગુમાવ્યા વિના યુક્રેન છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ અન્ય દેશોની દરમિયાનગીરીથી યુદ્ધ નહીં થાય અને ભારતમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો બિનજરૂરી અને નેગેટિવ પ્રચાર થાય છે તેવું ઘણાં વિદ્યાર્થીઓ માનતા હતા, પણ યુદ્ધની ભીતિ સાચી પડી, ઉપરાંત વિમાનની ટિકિટના ભાવ પણ વધતાં જતા હતા અને ટિકિટ મળતી નહોતી. આ સ્થિતિમાં અમુક વિદ્યાર્થીઓ સમયસૂચકતા વાપરીને ભારત પરત આવી ગયાં, ત્યારબાદ રશિયાના યુક્રેન પર હુમલાઓ વધતા ઘણાં સ્થળોએ રોડ- રેલવે માર્ગ બંધ થવાથી ભારત આવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુક્રેનની ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે ભારત પરત આવી શક્યા છીએ. તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
..........
વતન પરત લાવવા બદલ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના અમે ઋણી છીએ -તુલસી પરેશભાઈ પટે
સુરત આવેલી ૧૯ વર્ષીય દીકરી તુલસી પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું યુક્રેનની બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિ.માં તબીબીક્ષેત્રનો અભ્યાસ કરૂ છું. અમે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં અન્ય વિસ્તારો કરતાં બહેતર પરિસ્થિતિ હતી. પરંતુ અમારા મિત્રો રહે છે ત્યાં સ્થિતિ વિકટ બની છે. હજુ અમારા ઘણા મિત્રો યુક્રેનમાં ફસાયેલા છે. તુલસીએ ભારતીયોને વતન લાવવાના પ્રયાસો કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રાલયના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી