Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાના સૂર્યમંદિરની પ્રસ્તુતી કરાશે

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાના સૂર્યમંદિરની પ્રસ્તુતી કરાશે
, શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (14:42 IST)
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. લગભગ 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની મહેનતથી આ ટેબ્લોને સજાવ્યો છે. દર વર્ષે 26 મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરાય છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ (પહેલા)એ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં 1026-27માં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું. જેનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિર કરતાં પણ અગાઉ થયું હોવાનું મનાય છે.મરુ-ગુર્જર શૈલીના આ મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે. પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી હોય એવા આ સ્થાપત્યના સુપ્રસિદ્ધ સભામંડપમાં વર્ષના ૫૨ સપ્તાહના પ્રતિક સમા ૫૨ નકશીદાર સ્તંભો છે.જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે. જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે. ટેબ્લો પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સુર્યમંદિરનું હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્ષ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. LED ફ્લડ લાઈટ્‌સથી ટેબ્લો પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે. મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે 12 મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઉઠશે.  આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. "સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા..." એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્‌વાન કરવામાં આવ્યું છે.માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિની કુમાર અને માહિતી નિયામક અશોક કાલરિયાના માર્ગદર્શન હેઠળ અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક પંકજ મોદી અને હિરેન ભટ્ટ તથા સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝીંગ પ્રા.લિ.ના સિદ્ધેશ્વર કાનુગા અને તેમની ટીમે ટેબ્લો તૈયાર કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. શિલ્પકાર, ચિત્રકાર, ફેબ્રિકેટર, મિસ્ત્રી અને અન્ય કારીગરો સહિત 60 જેટલા કલાકારો અત્યારે નવી દિલ્હીમાં આ ટેબ્લોને આખરી ઓપ આપી રહ્યા છે. સૂર્યમંદિર જેવા જ આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી ગુજરાતનો ટેબ્લો નવી દિલ્હીના રાજપથની શોભા વધારશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં દુખાવા બાદ સુરતમાં સારવાર વગર મોત