ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે સાંજે કોબા ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે આવી ત્યાં મોડી રાત સુધી બેસી ગુજરાતની ભાજપ સરકારના તથા સંગઠનના ટોચના આગેવાનો સાથે યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી અંગેના એક્ઝિટ પોલના સંદર્ભમાં ગુજરાતમાં કઈ રીતે તેનો મહત્તમ રાજકીય લાભ ઉઠાવી શકશે તેની વિસ્તૃત ચર્ચા કરી યોજના બનાવી હતી.
એક્ઝિટ પોલના પરિણામ બાદ BJP હાઇકમાન્ડનું મિશન હવે ગુજરાત છે. 2019 જીતવા માટે મિશન ગુજરાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ચર્ચા છે કે આગામી સમયમાં ગુજરાતમાં પીએમ મોદી રેકર્ડબ્રેક સભાઓ ગજવશે. અમિત શાહે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસણા તથા રાજ્ય કક્ષાના મંત્રીઓ શંકર ચૌધરી અને પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ અમિત શાહે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને તેમની કોર ટીમ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો સાથે સંગઠનના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરી હતી. બાદમાં રાજ્ય સરકારના ટોચના આગેવાનો તથા સંગઠનના આગેવાનો સાથે સંયુક્ત બેઠક યોજીને પરામર્શ કર્યો હતો. એક્ઝિટ પોલના તારણો યુપીમાં ભાજપને સૌથી વધુ સીટ મળે તેવી શક્યતા દર્શાવી રહ્યા છે, ત્યારે આ સ્થિતિનો મહત્તમ લાભ ગુજરાતમાં કઈ રીતે વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે લઈ શકાય, જો પરિણામો ભાજપની તરફેણમાં આવે તો તેની રાજ્યભરમાં ઉજવણી દ્વારા કઈ રીતે માહોલ સર્જી શકાય તે અંગે વિચારણા હાથ જરૂરી પ્લાનિંગ પણ આ બેઠકોમાં થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. દરમિયાન, સોશિયલ મીડિયામાં કઈ રીતે આક્રમકતાથી ભાજપની સરકારોના કાર્યક્રમો- યોજનાઓની જાણકારી ઝડપથી લોકો સુધી પહોંચતી થઈ શકે તે અંગે પણ પ્રદેશની સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠક યોજી અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નબળા ઉમેદવારોને તાકિદે બદલી તેમની જગ્યાએ વિનીંગ ઉમેદવારોને મૂકવા તાકિદ કરાઈ છે. કોંગ્રેસની બહુમતીવાળી બેઠક પર મજબૂત અને સ્થાનિક નેતાઓ પહેલી પસંદ છે. પાર્ટીના મતભેદો ભૂલીને કાર્યકરોને કામે લગાડવાનું નક્કી કરાયું છે.