ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા ઈન્ટરનેશનલ નંબર પરથી કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોને ખંડણી માગતી તેમજ સીટ ખાલી કરવા અંગેની ધમકી આપતા ફોન આવ્યા છે. જેને કારણે જનતાના પ્રતિનિધિઓ હોળીની રજાઓમાં પોતાના વિસ્તારમાં જતાં પણ ડરતા હોવાનું શંકરસિંહ વાઘેલાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે. વાઘેલા માંગ કરી કે, સરકારે આ મામલે તાત્કાલિક કોઇ પગલાં લેવા જોઇએ અને જરૂર જણાયે કેન્દ્રની પણ મદદ લેવી જોઇએ. જેની સામે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસની તમામ એજન્સી સક્રિય હોવાનું અને કેન્દ્રની પણ મદદ લેવાઇ હોવાથી ટૂંક સમયમાં આ પ્રકરણમાં આરોપીઓ સુધી પહોંચવાની ખાતરી ગૃહ સમક્ષ અપાઇ હતી.
વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, આજે વિધાનસભાનું કામકાજ શરૂ થાય તે પહેલા અમારા પક્ષના સભ્યો મને મળવા આવ્યા હતા અને તેમને મળેલી ધમકીઓ અંગે ચિંતિત હતા. તેઓ રજાઓમાં પોતાના વિસ્તારમાં જવાના છે ત્યારે તેમની સલામતીનું શું તે ચિંતાનો વિષય છે. આ પ્રકારે ફોન પર ધમકી આપવાનું રીતસરનું રેકેટ ચાલતું હોય, ધારાસભ્યોને સીટ ખાલી કરવાની ધમકી મળતી હોય ત્યારે તે પોલિટિકલ બાબત બની છે, સરકારે તાત્કાલિક આવા તત્વો સુધી પહોંચવું જોઇએ.કોંગ્રેસના સભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે, રવિ પુજારીએ ફોન પર આપેલા ઇન્ટરવ્યૂમાં એમ જણાવ્યું હતું કે અમે ગંદકી દૂર કરવા માંગીએ છીએ, કોંગ્રેસના સભ્યો દાઉદ સાથે સંપર્કમાં છે તેથી તેમને મેં ફોન કર્યો છે. આ પ્રકારના નિવેદન કરીને શું સાબિત કરવા માંગે છે અને માત્ર કોંગ્રેસના સભ્યોને કેમ ફોન કેમ આવે છે, જેથી આ બાબત રાજકીય હોય તેવું જણાય છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાત્રી આપતા કહ્યું કે ગુજરાત પોલીસની એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદની સિટી ક્રાઇમ આ ત્રણેય એજન્સીઓ સંયુક્તરીતે કામે લાગી છે.