ગુજરાતમાં ચૂંટણી કમિશનરો દ્વારા સમિક્ષા
મોદી સરકારની ચૂંટણી દિવાળી પહેલા યોજવાની માંગણી
અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં મોદી સરકારે વિધાનસભાની આગામી ચૂંટણી ડિસેમ્બર પહેલા એટલે કે નવરાત્રી અને દિવાળી વચ્ચે યોજાય જાય તેવી માંગણી ચૂંટણી પક્ષ સમક્ષ કરી છે. જોકે ચૂંટણી પંચે આ માંગણીનો કોઇ જવાબ આપ્યો નથી. જ્યારે આગામી 23મી ઓકટોબરથી ચૂંટણી પંચ ગુજરાતમાં ધામા નાખવાનું છે.
તે પહેલાજ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામી અને બે અન્ય ચૂંટણી કમિશનરો નવીન ચાવલા અને ડો. એસ.વાય. કુરેશી 3જી ઓકટોબર એટલે કે બુધવારના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
ચૂંટણીપંચની આ ત્રણ સભ્યોની ખાસ ટીમ આજે અમદાવાદના સરકીટ હાઉસમાં સવારે 10 કલાકથી રાજકીય પક્ષો, મુખ્ય સચિવ, ગૃહ-અગ્ર સચિવ, પોલીસ વડા અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે તબક્કાવાર બેઠકો યોજશે અને વિધાન સભાની આગામી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કર્યા બાદ રાત્રે વિમાન માર્ગે દિલ્હી રવાના થશે.
ચૂંટણીની પુનઃ તૈયારીઓમાં રાજ્ય ચૂંટણી પંચ નવી મતદાર યાદી, તેના સંદર્ભની ફરીયાદો, તેનો નિકાલ, ઓળખ ફોટો કાર્ડ, મતદાન મથકો, સંવેદનશીલ મથકોને નક્કી કરવા માટેની પદ્ધતિ, ગુનાનું પ્રમાણ,પોલીસ ફોર્સ, કર્મચારીઓની નિમણૂંક, વગેરે અનેક બાબતો અંગે ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા અહેવાલ તૈયાર કરાયો છે જેને તેઓ આજે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ રજુ કરશે.
જ્યારે ભાજપ પક્ષના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 12મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર, 07માં યોજાવાની છે. તે પહેલાં જ સરકારે વહેલી ચૂંટણી યોજાય તેવી માંગણી પંચ સમક્ષ કરી છે. જેમાં પંચે આ અંગે શક્યતા ચકાસી જવાની હયાધારણા આપી છે.