ગાંધીનગર (વેબદુનિયા) રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે વીતેલા ચોવીસ કલાક દરમિયાન 79 તાલુકાઓમાં હળવો વરસાદ વરસાવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના ભાવનગરમાં 78 મીમી એટલે કે 3 ઇંચથી વધુ અને ભરૂચ જિલ્લાના ભરૂચમાં 54 મીમી, ભાવનગર જિલ્લાના પાલીતાણા, શિહોરમાં 67 મીમી, સાબરકાંઠા જિલ્લાના બાયડમાં 58 મીમી, વડોદરા જિલ્લાના કરજણમાં 60 મીમી અને શિહોરમાં 50 મીમી એટલે કે 2 ઇંચથી વધુ પાણી પડયુ હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ બુધવાર સવારે 8-00 કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન જે 79 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે તેમાં 72 તાલુકાઓમાં અડધો થી એક ઇંચ અને 7 તાલુકાઓમાં 2 ઇંચ થી 3 ઇંચ જેટલો વરસાદ પડયો છે. જ્યારે બનાસકાંઠા, ડાંગ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળી કુલ 10 જિલ્લાઓ સાવ કોરાધાકોર રહ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના ધોળકા, રાણપુર, રાજુલા, સાવરકુંડલા, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, તારાપુર, આંકલાવ, આમોદ, અંકલેશ્વર, જંબુસર, વાધરા, ધોધા, ઉમરાલા, ફતેપુરા, દહેગામ, ખેડા, મહુધા, માતર, મહેમદાવાદ, નડિયાદ, નાંદોદ, ભીલવાડા, ગણદેવી, મોરવાહડફ, કડાણા, સંતરામપુર, ધનસુરા, મેધરજ, મોડાસા, નીઝર, ડભોઇ, કવાંટ, નસવાડી, સંખેડા, વડોદરા અને વાધોડિયા મળી કુલ 39 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ જ્યારે અન્ય 33 તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ પાણી પડયુ હોવાના અહેવાલો છે.