કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પણ ચડી અને રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો
રાહુલ ગાંધી હવે સાંસદમાંથી પૂર્વ સાંસદ થઈ ગયાં છે. માનહાની કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરી નાંખી છે. ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
મેમ્કો ચાર રસ્તા પાસે દેખાવો કરવામાં આવ્યા
અમદાવાદ, સુરત, જૂનાગઢ, સોમનાથ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. ક્યાંક પૂતળા દહન તો ક્યાંક ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરાયું છે. અમદાવાદમાં યુથ કોગ્રેસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે દેખાવો કરવામાં આવ્યા હતાં.યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા મેક્મો ચાર રસ્તા પર ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.મેમ્કો ચાર રસ્તા પાસે બસ રોકવામાં આવી અને ટ્રાફિક જામ કરીને રાહુલ ગાંધીની સદસ્યતા રદ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.
બસ પણ ચડી અને રોડ પર બેસીને વિરોધ
કોંગ્રેસના કાર્યકર્તાઓ બસ પણ ચડી અને રોડ પર બેસીને વિરોધ નોંધાવવા સાથે રસ્તા ઉપર ટાયરો સળગાવ્યા હતા.ભરચક રોડ પર ટ્રાફિક જામ વચ્ચે પોલીસની ગાડીને પણ રોકીને તેની આગળ કાર્યકર્તાઓ બેસી ગયા. બાદમાં વિરોધ વધતા પોલીસ દ્વારા અટકાયત કરતા કાર્યકર્તા પોલીસની વાન પર ચડી ગયા. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ વધતા નેતાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા.