Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી નહીં છોડવાની ચિમકી આપવાની સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચૂપ કેમ છે ?

મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી નહીં છોડવાની ચિમકી આપવાની સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચૂપ કેમ છે ?
અમદાવાદ: , સોમવાર, 22 જુલાઈ 2019 (09:38 IST)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધરણાં/આંદોલન સામે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને કયા મુદ્દે આંદોલન કે ધરણાં કરવા જોઈએ તે માટેની સમજણ હાસ્યાસ્પદ અને દયાજનક છે.  કોંગ્રેસના ધરણાંમાં મૃત્યુ પામેલ સાથે સંવેદના કે લાગણી નહીં અને માત્ર પ્રિયંકા વાડ્રાની સાથે ગુજરાત કોંગ્રેસનાં નેતાગીરી ઉપસાવવાના હેતુવાળા પાટીયા દેખાય છે. 
 
ગુજરાત કોંગ્રેસે અત્યારે પ્રિયંકા વાડ્રાની સાથે રહેવાના બદલે મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી નહીં છોડવાની ચિમકી આપવાની સામે ગુજરાતના ખેડૂતોની પડખે રહેવા માટે ધરણાં કરવાની જરૂર હતી. કોંગ્રેસ હંમેશા ગુજરાત કે પ્રજાના મુદ્દા લેવાને બદલે ગાંધી પરિવારની પડખે રહીને તેમની નેતાગીરી બનાવવાનાં જ પ્રયાસોમાં જ રહેતી હોય છે. યુ.પી.માં બે જૂથ વચ્ચેના જમીનના ઝઘડામાં જે હત્યાઓ થઈ છે તેને ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. 
 
યુ.પી.ના મુખ્યમંત્રી યોગીજીએ જે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે અને ગુનેગારોને પકડી લીધાં છે અને વધુ ઉશ્કેરાટ કે તોફાન ન થાય તે માટે 144ની કલમથી માંડીને જરૂરી કાયદાકીય પગલાં લીધાં છે. કોંગ્રેસના પ્રિયંકા વાડ્રાને પણ પીડિત લોકોને મળવા માટેની યોગ્ય સમયે વ્યવસ્થા કરી આપી છે. હવે, કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાને મુદ્દે શેનું આંદોલન કરે છે ?. કોંગ્રેસ માત્ર પ્રજામાં ઉશ્કેરાકટ અને વેરઝેર ફેલાવીને ગાંધી પરિવારની નેતાગીરી ઊભી કરવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.
 
ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી રોકવાની ચિમકી આપે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠાં છે તે સમજાતું નથી. નર્મદાના મુદ્દે ગુજરાત કોંગ્રેસનું મૌન એ ગુજરાત અને ગુજરાતના ખેડૂતાના હિત વિરોધી માનસિકતા બતાવે છે.  એકબાજૂ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા પાણી માટે, વરસાદ માટે ભગવાનને હવન,પ્રાર્થના-પુજા કરી રહ્યાં છે અને બીજીબાજૂ ગુજરાત કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાની નેતાગીરી માટે ધરણાં કરી રહી છે. પ્રિયંકા ગાંધીની સાથે રહેવાના ધરણાં/આંદોલન કરવાના બદલે ગુજરાત કોંગ્રેસે નર્મદા મુદ્દે મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકાર સામે ધરણાં/આંદોલન કર્યાં હોત તો વધું સારૂં હતું. 
 
ગુજરાત કોંગ્રેસે ખેડૂતોની મદદે આવવા મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકારને યોગ્ય રજૂઆત કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસનો ઈતિહાસ હંમેશા નર્મદા વિરોધી રહ્યો છે એ ગુજરાતની જનતાને યાદ છે. અગાઉ પણ કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવીટ કરીને કોંગ્રેસે નર્મદા યોજનાને અટકાવવાનું કામ કર્યું હતું. ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઉપવાસ ઉપર બેસવું પડ્યું હતું. ગુજરાતની જનતા જાણે જ છે કે નર્મદા ડેમ, ડેમના દરવાજા, પર્યાવરણ અને પુનઃવસનના મુદ્દાઓ ઊભા કરીને કોંગ્રેસે ગુજરાતની જીવાદોરી નર્મદાને નડતર થવાનો વારંવાર પ્રયાસ કરેલો છે.
 
હવે, પાણી છોડવાને મુદ્દે અને વિજળીના મુદ્દે ગુજરાત અને ગુજરાતના ખેડૂતોને હેરાન-પરેશાન કરવાનું મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર કરી રહી છે તે યોગ્ય નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપ સરકાર આ મુદ્દે જે પણ અસરકારક રજૂઆત કરવાની હશે તે કરશે અને ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવશે તેવો અમને વિશ્વાસ છે. ગુજરાત હંમેશા શાંતિ, એકતા અને વિકાસમાં માને છે. ગુજરાતની સંયમ અને શાંતિની પરીક્ષા કોંગ્રેસે ન કરવી જોઈએ. મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકાર નર્મદા મુદ્દે ગુજરાતની ઈર્ષ્યા અને રાજકારણ કરવાને બદલે “પાડોશી ધર્મ’’ બજાવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રિષભ પંતને તક