ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો છે.
આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે.વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ ગઇકાલે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને મળવા માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા.
આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ યુવરાજસિંહ પર છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.આ અંગે રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલનકરી રહેલા યુવરાજસિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે વિદ્યાસહાયકોની અટકાયત કરી ત્યારે યુવરાજસિંહ અહીં આવ્યા હતા. પોલીસ પર ગાડી ચડાવી હુમલો કરવાની કોશિશ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.યુવરાજસિંહે પોતાની ગાડીમાં બેસી ગાડી પોલીસ પર ચઢાવી દેવા પ્રયાસ કર્યો હતો. તેમની ગાડીમાં એક કેમેરો છે, જેમાં રેકોર્ડિંગ થાય છે તે રેકોર્ડિંગથી સાબિત થાય છે કે પોલીસ પર હુમલો કર્યો છે. ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ અહીં આવી હોહા કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમને એ સમજવું જોઈએ કે, યુવરાજ સિંહે શું કર્યું છે.અહીં પૂછપરછ પત્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે..અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, આ કિસ્સામાં પોલીસ પર ગાડી ચઢાવી, પોલીસ સાથે ઝપાઝપી કરી તે મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. કોઈ જાતની કિન્નખોરી રાખી નથી. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે. યુવરાજસિંહની પુછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.