કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ તેમના ગૃહ રાજ્ય ગુજરાતની દિવાળીની મુલાકાતે હતા, તેમણે શુક્રવારે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 15 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પહેલા ગૃહમંત્રી અમિત શાહે તેનું નિરીક્ષણ કર્યું હતું અને તેની કામગીરી વિશે પૂછપરછ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.