Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરાજીના છાડવાવદરમાં નદીના ધસમસતા પાણીમાં બે યુવક તણાયા, એકનો બચાવ

ધોરાજીના છાડવાવદરમાં નદીના ધસમસતા પાણીમાં બે યુવક તણાયા, એકનો બચાવ
, મંગળવાર, 11 જુલાઈ 2023 (15:17 IST)
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવાને વીજપોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે અન્ય એક યુવાન પાણીમાં આગળ તણાઇ જતા ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. આથી આખી રાત સર્ચ ઓપરેશન કર્યા બાદ NDRFની ટીમને આજે સવારે 10 વાગ્યે લાપતા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતકનું નામ જયદીપ ગિરધરભાઈ ભુવા છે. જયદીપનો મૃતદેહ પાણી અને ઝાડમાં ફસાયેલો હતો. હાલ મૃતદેહને પીએમ માટે ધોરાજી હોસ્પિટલ ખસેડ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે તાલુકાના છાડવાવદર ગામે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન બે યુવક પાણીમાં ચાલીને જતા હતા અને અચાનક બેલેન્સ ગુમાવતા બન્ને પાણીમાં તણાયા હતા. જે પૈકી એક યુવાને આગળ આવેલ વીજપોલને પકડી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે બીજો યુવાન પાણીના પ્રવાહમાં આગળ તણાયો હતો. બનાવ અંગે ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા છાડવાવદર તલાટી મંત્રી દ્વારા સાંજે 6.40 વાગ્યે ધોરાજી મામલતદારને જાણ કરવામાં આવી હતી.ગામના તલાટી મંત્રી દ્વારા મામલતદારને જાણ કરવામાં આવતા ડિઝાસ્ટર ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે 12 કલાક કરતાં વધુ સમય થયો છતાં યુવકની ભાળ મળી નહોતી. અંતે આજે સવારે 10 વાગ્યે NDRFની ટીમને જયદીપનો મૃતદેહ ઝાડ સાથે ફસાયેલો મળ્યો હતો. છાડવાદરના બસ સ્ટેન્ડ પાસે વરસાદના કારણે પાણીનું ઘોડાપૂર આવ્યું હતું અને ઉપરથી આવતા પાણીના સતત પ્રવાહના કારણે આ યુવાનો ચાલીને જતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી.આ તરફ ઉપલેટામાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. રવિવાર બાદ સોમવારે પણ ધોધમાર વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જેના પગલે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે એક પશુ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયાનું સામે આવ્યું હતું. કાથરોટા ગામે પાણીના પ્રવાહમાં એક ભેંસ તણાઈ હોવાની ઘટના સામે આવતા પશુપાલકમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

America News - માતાની કાર નીચે જ કચડાઈ ગઈ 13 મહિનાની માસુમ બાળકી