શ્રાવણ મહિના દરમિયાન મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાંથી ફરાળી વાનગીઓ સહિત કેટલાક ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા પછી 24 ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. જેમાંથી 14 તો ફરાળી વસ્તુના છે. જેમાં રાજગરાનો લોટ, સાબુદાણા, ફરાળી ચેવડાનો સમાવેશ થાય છે. બીજી તરફ ગણપતિ ઉત્સવમાં વેચાણ માટે મુકાયેલા મોદક, ચુરમાના લાડુ સહિત 41 ખાદ્ય પદાર્થના નમૂના તપાસ માટે મોકલ્યા છે. જો કે, હવે ગણપતિ ઉત્સવ પૂરો થઈ ગયો છે પણ તેનો રિપોર્ટ આપવાનો હજુ બાકી છે.
ઓગસ્ટમાં 213 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 24 નમૂના અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે. વસ્ત્રાપુરના સૌરાષ્ટ્ર ગાંઠીયા અને બોડકદેવના દાસ સુરતી ખમણના સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવાતું તેલ આરોગ્ય માટે હાનિકારક હોવાનું રિપોર્ટમાં જણાયું છે.મ્યુનિ. હેલ્થ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં મોદક, ચુરમાના લાડુ, ફરસાણ, નમકિન, મીઠાઇ, બેકરી પ્રોડક્ટ, બેસન, દૂધની બનાવટો સહિત અન્ય ખાદ્યપદાર્થ મળી 41 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. 95 એકમોની તપાસ કરી 52 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો, જ્યારે 20 લિટર પ્રવાહી ઢોળી દેવામાં આવ્યું હતું.મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારમાંથી વિવિધ ફરાળી વાનગી સહિત ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા. બોડકદેવમાં આવેલા દાસ સુરતી ખમણમાંથી કૂકિંગ તેલનું સેમ્પલ લીધું હતું. જે અપ્રમાણિત ઠર્યું છે. ફરસાણમાં એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરાતો હતો.