Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ દેશનુ સૌથી પહેલું અને સૌથી મોટુ છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ દેશનુ સૌથી પહેલું અને સૌથી મોટુ છે :  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
, બુધવાર, 25 ઑગસ્ટ 2021 (12:07 IST)
રાજ્યમાં મંગળવાર તા.ર૪ ઓગસ્ટના યોજાયેલા રાજ્યવ્યાપી શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાઇને તેને સફળ બનાવનારા શિક્ષક સમુદાયનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આભાર વ્યકત કર્યો છે અને તેને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા છે. શિક્ષણમાં આમૂલ ગુણાત્મક પરિવર્તન માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે. 24 ઑગસ્ટના રોજ યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવા છતાં, અંદાજે 57000 જેટલા શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ સર્વેક્ષણમાં જોડાયા હતા.
 
આ અભિયાન અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, અત્યાર સુધીના શિક્ષણના ઈતિહાસમાં આ પ્રકારનુ સર્વેક્ષણ આટલા વિશાળ સમૂહ પર અગાઉ ક્યારેય થયું નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતનાં અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે. આ સર્વેક્ષણના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા આગામી તાલીમનું આયોજન એકદમ ધ્યેયલક્ષી રીતે થશે. તમામ જ શિક્ષકોને એકસમાન તાલીમ આપવામાં ક્યારેક જરૂરિયાત ન હોય તેવા વિષયની તાલીમ પણ શિક્ષકોએ લેવી પડતી હોય છે. એના બદલે આ ડેટાના આધારે જે તે શિક્ષક માટે જરૂરી એવી તાલીમનુ આયોજન કરી શકાશે જેથી સમય અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે. 
 
પ્રાથમિક શિક્ષકો પૈકી સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, દિવ્યાંગ શિક્ષકો, સ્કૂલ ઇન્સ્પેક્ટર વગેરેને બાદ કરતાં મહત્તમ અંદાજે 1,51,000 શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાવા પાત્ર હતા. જૈ પૈકી 57,000 એટલે કે 37 ટકા જેટલા શિક્ષકો આ મરજીયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાયા હતા. મોટાભાગે આવાં કોઈ પણ સ્વૈચ્છિક સર્વેક્ષણોમાં સામાન્ય રીતે 5 થી 10% લોકો જોડાતા હોય છે. જ્યારે ગુજરાતમાં 37% જેટલા શિક્ષકોએ આટલી મોટી સંખ્યામાં સર્વેક્ષણમાં ભાગ લઈને પોતાની પ્રતિબદ્ધતાનાં દર્શન કરાવ્યાં છે.
 
આ સર્વેક્ષણનાં પરિણામનુ પૃથક્કરણ કરીને શિક્ષણ વિભાગ હવે પછી કયા શિક્ષકોને કયા મુદ્દાઓની તાલીમની જરૂર છે એનો અહેવાલ તૈયાર કરીને એ મુજબ આગામી તાલીમનું આયોજન કરશે એમ તેમણે જણાવ્યું હતું. સચિવશ્રીએ વધુ માહિતી આપતા ઉમેર્યું કે, આ સર્વેક્ષણમાં જોડાયેલા શિક્ષકીની સંખ્યા પર નજર કરતાં જણાય છે કે નવસારી જિલ્લામાં 78% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. નવસારી જિલ્લો શિક્ષણમાં અગ્રેસર છે એનું કારણ એના શિક્ષકોની નિષ્ઠાને ગણી શકાય. 
 
તાલુકાની વાત કરીએ તો વિજયનગર જેવા બહુ જ અંતરિયાળ અને આદિવાસી બહુલ તાલુકામાં 100% શિક્ષકો એટલે કે કુલ 560 શિક્ષકો પૈકી 555 શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. ગેરહાજર રહેલા 5 શિક્ષકો બિમારી અને માતૃત્વની રજાને લીધે ગેરહાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિજયનગર તાલુકો પ્રાથમિક શિક્ષણમાં રાજ્યના શ્રેષ્ઠ તાલુકાઓ પૈકી છે. આ દર્શાવે છે કે સ્થાનિક બોલી અને અંતરિયાળ વિસ્તાર જેવા અવરોધો હોવા છતાં માત્ર શિક્ષકોની શિક્ષણ નિષ્ઠાને લીધે આ તાલુકો સારુ પ્રદર્શન કરી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિર્દોષ વેપારી- ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતા વ્યક્તિઓ સામે ખંડણીનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે