Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગામડાની આ મહિલાઓ આપે છે ખુમારીથી જીવવાની પ્રેરણા, જાણો કેવી રીતે કરે છે કમાણી

women give inspiration to live
ગાંધીનગર , મંગળવાર, 30 જુલાઈ 2024 (15:26 IST)
women give inspiration to live
 ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જેના પરિણામસ્વરૂપે આજે ગામડાની મહિલાઓ દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણાના અનોખા દૃષ્ટાંત બન્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બનાસની ડ્રોન દીદી આશાબેન ચૌધરીની, જેઓ ગામડામાં રહીને તેમના સપના સાકાર કરી રહ્યાં છે. 
 
ડ્રોન ચલાવવા માટેની 15 દિવસની તાલીમ 
મહિલાઓના સશક્તિકરણ માટે વડાપ્રધાન મોદીએ, ડ્રોનના ઉપયોગથી મહિલાઓને આર્થિક રીતે અગ્રેસર કરવા માટે વર્ષ 2023થી ‘નમો ડ્રોન દીદી યોજના’ અમલમાં મુકી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરતા શીખવવાનો છે. ડ્રોન દીદી યોજના માટે, 10 થી 15 ગામોની સ્વસહાય જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે, જેમાં ડ્રોન ચલાવવા માટેની 15 દિવસની તાલીમ પણ સામેલ છે. ગુજરાતમાં આશાબેન ચૌધરી આવા જ એક ડ્રોન દીદી છે.
webdunia
women give inspiration to live
ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું
બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી 31 વર્ષીય આશાબેન ચૌધરીએ મેકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે ડ્રોન દીદી અંતર્ગત તાલીમ મેળવીને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આવક મેળવી રહ્યાં છે. આશાબેન જણાવે છે, સખીમંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં હું સામેલ રહેતી એટલે મને ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી. તે કાર્યક્રમ અંતર્ગત 2023માં મેં પૂણેમાં 15 દિવસની તાલીમ લીધી હતી. તે પહેલા ઇફ્કોમાં અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂણેમાં મેં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ડ્રોનના ઉડ્ડયન તેમજ ડીજીસીએના નિયમો અંગેના પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા હતા. ત્યાંથી તાલીમ લીધા બાદ મેં બનાસકાંઠામાં ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને અત્યારે મારી પાસે કામ ખૂટતું જ નથી.
 
ડ્રોનને ફિલ્ડમાં લઇ જવા ઇ વ્હિકલ અને વીજળી માટે જનરેટર સેટ
આશાબેનને મિડિયમ સાઇઝનો ડ્રોન, તેને ફિલ્ડમાં લઇ જવા માટે ઇ વ્હિકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વિજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે. આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, માત્ર છ મહિનામાં જ તેમને આ કામ દ્વારા એક લાખથી વધુની આવક થઇ છે. આશાબેન જણાવે છે, “ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બન્નેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બન્નેનું પ્રમાણ ઓછું રહે છે. સાત મિનિટની અંદર ડ્રોન એક એકર વિસ્તારમાં છંટકાવ કરી શકે છે.ડ્રોનથી છંટકાવ કરાવ્યો હોય તેવા ખેડૂતોની આઇ ખેડૂત પર નોંધણી કરાવીએ છીએ જેથી તેમને રાજ્ય સરકાર તરફથી વળતર પણ મળે છે.
 
હવે અમદાવાદ અને સુરેન્દ્રનગરથી પણ ઓર્ડર આવે છે
આશાબેનના જણાવ્યા અનુસાર ડ્રોનને ઓપરેટ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. તેઓ ખેતરનો નક્શો ડ્રોનમાં ફીડ કરે છે અને કમ્પાસ કેલિબ્રેશન કરીને ડ્રોનને નિર્ધારિત વિસ્તારમાં ઓપરેટ કરે છે. તેમની આ કામગીરીથી આસપાસના ખેડૂતોમાં તેમની પ્રસિદ્ધિ દિવસે ને દિવસે વધી રહી છે અને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે હર્ષભેર જણાવ્યું, “મને તો હવે સુરેન્દ્રનગર અને અમદાવાદથી પણ સતત કોલ આવી રહ્યા છે. આ કામ કરવામાં મને ખુબ આનંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં  પ્રારંભિક ધોરણે અંદાજીત 500થી 1000 ડ્રોન સ્વ સહાય જૂથોને આપવાનું  નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં IFFCO ,GSFC અને GNFC દ્રારા અનુક્રમે 18 ,20 અને 20 મળી કુલ  58 મહિલાઓને ડ્રોન તાલીમ આપીને ડ્રોન આપવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JioGames તેના પ્લેટફોર્મ પર Google GameSnacks ને એકીકૃત કરે છે